બોર્ડ ઝૂક્યું : ધો. 12 સાયન્સમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવાશે

1 વિષયની પૂરક પરીક્ષામાં 1500 વિદ્યાર્થી જ બેસવાના હતા, હવે 33 હજારથી વધુને લાભ
રાજકોટ, તા. 14: તારીખ 9મી મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 1ર વિજ્ઞાન પ્રવાહનું 71.90 ટકા પરિણામ જાહેર કરાયું હતું. સાત વર્ષના સૌથી નીચા પરિણામમાં રાજ્યમાંથી 4પ હજારથી વધુ વિદ્યાર્થી અનુત્તિર્ણ રહ્યા હતા. અધુરામાં પૂરું બોર્ડ દ્વારા બે વિષયની પૂરક પરીક્ષા લેવાને બદલે આ વખતે પહેલી વખતથી ફક્ત એક જ વિષયની પૂરક પરીક્ષા લેવાનો તઘલખી નિર્ણય કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઘોર નિરાશા છવાઈ ગઈ હતી. આ મામલે ભારે ઉહાપોહ અને રજૂઆતોનો દૌર શરૂ થતાં વિદ્યાર્થી શક્તિ પાસે બોર્ડે અંતે ઝૂકવું પડયું છે અને છેવટે દર વર્ષની જેમ જે બે વિષયની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામકે પરિપત્રમાં જણાવ્યું છે કે ધો. 1ર વિજ્ઞાન પ્રવાહમાં એક કે બે વિષયમાં અનુત્તિર્ણ કે ગેરહાજર વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. એક વિષયમાં અનુત્તિર્ણ વિદ્યાર્થીઓની યાદી શાળાઓને મોકલી આપવામાં આવી છે. બે વિષયમાં અનુત્તિર્ણ ઉમેદવારોની યાદી ધો.1ર સામાન્ય પ્રવાહના પરિણામ સાથે શાળાઓને મોકલવામાં આવશે.
બોર્ડના આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ-વાલીઓમાં રાહત સાથે આનંદની લાગણી ફરી વળી છે. એક વિષયની પૂરક પરીક્ષામાં રાજ્યમાંથી ફક્ત 1પ00 વિદ્યાર્થીઓ બેસવાના હતા. હવે 33 હજાર વિદ્યાર્થીઓ બેસી શકશે અને તેમનું વર્ષ બગડતા અટકે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer