વિસાવદરમાં 26 હજાર તુવેરની બોરીના રિચેકીંગમાં 291 નબળી

નબળી તુવેર અંગે જવાબદારો સામે ગુનો દાખલ કરાવવામાં ઠાગાઠૈયા, સમગ્ર મામલાનો વીંટોવાળી દેવા પ્રયાસ
જુનાગઢ, તા.14: કેશોદમાં તુવેર કૌભાંડ બાદ વિસાવદરમાં પણ 26 હજાર તુવેરની બોરીનું રિચેકીંગ કરવામાં આવ્યું હતું. બે સપ્તાહ કરતા વધુ સમય સુધી રિચેકીંગ થયું હતું. જેમાંથી 291 બોરી નબળી નીકળી હતી. આ નબળી તુવેર અંગે જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં ઠાગાઠૈયા કરાઇ રહ્યા છે અને સમગ્ર મામલાનો વીંટો વાળી દેવા પ્રયાસ શરૂ થયા છે.
કેશોદ યાર્ડમાંથી ટેકાના ભાવે થયેલી તુવેરની ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું હતું અને આ મામલે સાત શખસો સામે ફરીયાદ પણ થઇ હતી. આ કૌભાંડ સામે આવ્યા બાદ વિસાવદરમાં પણ નબળી તુવેર ધાબડી કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા હતા. અને કોંગ્રેસ તથા વિસાવદરના ધારાસભ્યોએ રિચેકીંગ કરવાની માંગણી કરી હતી. આથી પુરવઠા નિગમ, ધારાસભ્યના પ્રતિનિધિ તેમજ ગ્રેડરની હાજરીમાં વિસાવદર યાર્ડમાં ટેકાના ભાવે ખરીદ થયેલી 26 હજાર જેટલી તુવેરની બોરીનું રિચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. બે સપ્તાહ કરતા વધુ સમય સુધી 26 હજાર બોરી તુવેરનું રિચેકીંગ કરાયું હતું. તેમાંથી 291 બોરી તુવેરનો જથ્થો નબળો નીકળ્યો હતો.
આ અંગે પુરવઠા નિગમના અધિકારીનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે 26 હજાર બોરીના રિચેકીંગ બાદ 291 બોરી નબળી નીકળી છે. તેમાંથી સફાઇ બાદ 72 કટ્ટા નબળો માલ છે.
જયારે ધારાસભ્યે આ મામલે જવાબદારો સામે ગુનો દાખલ કરવા કૃષિ મંત્રીને રજુઆત કરી છે. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer