મારૂ મારૂ કરવાની આપણી ભાવના દુ:ખી કરે છે ત્યારે મમત્વ ઓછુ કરો : રાકેશભાઇજી

મારૂ મારૂ કરવાની આપણી ભાવના દુ:ખી કરે છે ત્યારે મમત્વ ઓછુ કરો : રાકેશભાઇજી
સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા જીવનના પાંચ મંત્રનો કાર્યક્રમ યોજાયો
રાજકોટ : રાજકોટ બીએપીએસ હોલમાં તાજેતરમાં શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન આયોજીત સુખી જીવનના પાંચ મત્રનો એક કાર્યક્રમ હતો. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુરના ગુરૂદેવ રાકેશભાઇજીએ આ વિષય પર એક અનોખુ વક્તવ્ય આપ્યું. વર્તમાન સમયમાં માણસ પોતાની નૈતિક જવાબદારીઓ અને પરિવારના ભરણપોષણ માટે એક એવા સંસાર ચક્રમાં ફસાઇ જાય છે. જેમાં તે સુખી થવા પોતાની જ આસપાસના લોકોને વધુ દુ:ખી કરતો હોય છે. એવા સમયે સ્ટ્રેસ અને સ્ટ્રગલને કેવી રીતે મેનેજ રીતે પોતાની જાતને હંમેશા ખુશ રાખવી તે આ કાર્યક્રમનો મુખ્ય હેતું હતો. જેમાં શ્રી રાકેશભાઇજીએ સુખી થવા માટે સરળ અને હળવી ભાષામાં લોકોને માત્ર 5 મંત્રો આપ્યાં હતાં. જેમાં 1. રોજ થોડા થોડા ડાહ્યા થાઓ, સામેની વ્યક્તિના દોષ જોવા કરતા રોજ તમારા દ્રષ્ટિકોણમાં ફેર કરવાની સલાહ આપી. 2. જીવન આપણે ખૂબ ગંભીરતાથી જીવી રહ્યાં છીએ ત્યારે રોજ થોડી થોડી ગંભીરતા ઘટાડો. (3) મારૂ મારૂ કરવાની આપણી ભાવના જ આપણને દુ:ખી કરે છે જ્યારે રોજ થોડું થોડું મમત્વ ઓછું કરો. 4. પૈસા અને પરિવાર પાછળ આપણે ભૂલી જઇએ છીએ કે આપણે પણ એક દિવસ જવાનું છે ત્યારે રોજ મૃત્યુ પ્રત્યે થોડા થોડા સભાન થાઓ. 5. પરિવાર જ તમારૂ સર્વસ્વ છે એટલે એના ભોગે કંઇ જ ન કરો અને દરરોજ કુટુંબ પ્રત્યે થોડો થોડો સ્નેહ વધારતા જાઓ આ પાંચ મંત્રોને ગુરૂદેવ એટલા સચોટ દ્રષ્ટાંતો સાથે રજૂ કર્યા કે ઉપસ્થિત સૌ કોઇને એમ લાગે કે જાણે આ વક્તવ્ય મને જ લાગું પડે છે. ગુરૂદેવ બાદ સાંઇરામ દવેએ પણ હળવી શૈલીમાં જીવનના મહત્વના પરિબળોને સમજાવી સુખી થવા માટે સજાગ થવાની સાથે સરળ થવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કૃપાળુ દેવનું પૂજન કરવામાં આવ્યું. સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા અદ્દભૂત અને જીવન ઉપયોગી સફળ કાર્યક્રમો યોજી સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાનો વધુ સરાહનિય પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સાત હજારથી અધિક શ્રોતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer