વોર્ડ નં.9માં સૌથી વધુ 67.15% મતદાન !

વોર્ડ નં.9માં સૌથી વધુ 67.15% મતદાન !
વોર્ડ નં.2માં ભાજપના જ 4 કોર્પોરેટરો હોવા છતાં સૌથી ઓછું 59.76% મતદાન નોંધાતા અનેક તર્ક-વિર્તક
રાજકોટ, તા.24 : લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે રાજકોટ શહેરના ત્રણેય ઝોનમાં સમાવિષ્ટ 18 વોર્ડ પૈકી સૌથી વધુ મતદાન વોર્ડ નં.9માં  67.15 ટકા તથા સૌથી ઓછુ મતદાન વોર્ડ નં.2માં 59.76 ટકા નોધાયું છે. વોર્ડ નં.9ને ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે આ વોર્ડમાં ભાજપ તરફી મતદાન થાય તે શક્ય છે પરંતુ વોર્ડ નં.2 કે જ્યાં ભાજપના જ ચાર કોર્પોરેટરો પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મનીષ રાડિયા, જયમીન ઠાકર, સોફિયાબેન દલ છે તે વોર્ડમાં મતદાનની ટકાવારી શા માટે ઘટી ? કારણ શું ? તે બાબત હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
અન્ય વોર્ડના મતદાનના આંકડાઓ તરફ દ્રષ્ટિપાત કરીએ તો વોર્ડ નં.1માં 64.86 ટકા, વોર્ડ નં.3માં 62 ટકા, વોર્ડ નં.4માં 63.63 ટકા, વોર્ડ નં.5માં 65 ટકા, વોર્ડ નં.6માં 66 ટકા, વોર્ડ નં.7માં 62.50 ટકા, વોર્ડ નં.8માં 66 ટકા, વોર્ડ નં.10માં 66.35 ટકા, વોર્ડ નં.11માં 64 ટકા, વોર્ડ નં.12માં 61.52 ટકા, વોર્ડ નં.13માં 63.20 ટકા, વોર્ડ નં.14માં 65 ટકા, વોર્ડ નં.15માં 62 ટકા, વોર્ડ નં.16માં 61 ટકા, વોર્ડ નં.17માં 63.50 ટકા તથા વોર્ડ નં.18માં 61.14 ટકા મતદાન થયું છે. જ્યાં સૌથી વધુ મતદાન થયું છે તે વોર્ડ નં.9 શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો છે તેઓ આ વોર્ડના કોર્પોરેટર છે આ ઉપરાંત પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, રૂપાબેન શીલુ અને શિલ્પાબેન જાવિયા પણ આ વોર્ડના નગરસેવક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.2માં  રૈયા રોડ, રેસકોર્સ પાર્ક, રેસકોર્સ રિંગરોડ, એરપોર્ટ રોડ, જામનગર રોડ, શ્રેયસ સોસાયટી, સૌરભ સોસાયટી, પ્રગતિ સોસાયટી, સુભાષનગર, નહેરુનગર, રઝાનગર, છોટુનગર, રગં ઉપવન સોસાયટી, 150 ફુટ રિંગરોડ, ગાર્બેજ સ્ટેશન વિસ્તાર, અવંતી પાર્ક, શીતલ પાર્ક, ગાયત્રીધામ, સંજયનગર, મોચીનગર, રાજીવનગર, બજરંગવાડી, વાંકાનેર સોસાયટી સહિતના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યારે વોર્ડ નં.9માં સાધુ વાસવાણી માર્ગ, યુનિવર્સિટી રોડ, 150 ફટ રિંગરોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી હાઉસિંગ સોસાયટી, યમુના પાર્ક, ગંગોત્રી પાર્ક, સરિતા સોસાયટી, પરિમલ સોસાયટી, યોગેશ્વર પાર્ક, મધુવન સોસાયટી, પાટીદાર સોસાયટી, યોગીનગર પાર્ક, મધુવન પાર્ક, ન્યુ યોગીનગર, ઋષિકેશ સોસાયટી, પેરેમાઉન્ટ, આકાશવાણી સ્ટાફ કવાર્ટર્સ, ત્રિવેણી સોસાયટી, જનકપુરી, અજંતા પાર્ક, ગુંજનવિહાર, ગુલમહોર, સેટેલાઈટ પાર્ક, ડોકટર સોસાયટી સહિતના અનેક વિસ્તારો સામેલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer