ચૂંટણીના ‘કાવા’ પછી જીતના ‘દાવા’ કરતા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો

ચૂંટણીના ‘કાવા’ પછી જીતના ‘દાવા’ કરતા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો
અને દોડાદોડી બાદ ઉમેદવારો રોજીંદા કામકાજમાં પરોવાયા, એક મહિનો વેઈટ એન્ડ વોચ
રાજકોટ, તા. ર4: લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ બીજાની ટિકિટ કાપીને પોતાની ટિકિટ મેળવવાથી માંડીને ચૂંટણી પુરી થઈ ત્યાં સુધી રાજકીય કાવા-દાવા અને ખટપટથી પરવાર્યા બાદ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવાનો રાગ આલાપ્યો છે. વળી પરિણામને એક મહિનાની વાર છે ત્યારે મેરેથોન પ્રચાર અને ચૂંટણીની દોડાદોડીમાંથી છૂટીને રોજીંદા કામકાજમાં પરોવાયા હતા. ર3મી મેના રોજ ચૂંટણીનું પરિણામ છે ત્યાં સુધી ઉમેદવારો અને મતદારો બન્ને પક્ષકારો વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે.
મારી લીડ વધશે: મોહનભાઈ
મારી જીત નિશ્ચિત: કગથરા
રાજકોટ, તા.24 : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ગત વખત કરતા આ વખતે મને વધુ લીડ મળશે ખાસ તો પડધરી અને ટંકારા તાલુકામાં તો હું જંગી લીડથી વિજેતા બનીશ.
ફૂલછાબ સાથેની વાતચીતમાં મોહનભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ પાંચ વખત ધારાસભા અને એક વખત લોકસભા હુ લડી ચૂક્યો છુ ત્યારે આ ટંકારા-પડધરીમાં મને 9000થી લઈને 46,000 મતોની લીડ મળી છે. આ વખતે આ લીડ ઉપર જશે. રાજકોટમાં હું આગળ છું. જસદણમાં માત્ર 54.41 ટકા જ મતદાન થયું ? તે અંગે તેમણે જણાવ્યું હતું કે, ત્યાં કોઈ મજબૂત પ્રતિસ્પર્ધી જ ન હતું. પોલીગ એજન્ટ પણ ન હતાં. સામે મજબૂત ઝુંબેશ હોય તો મતદાનની ટકાવારી વધે છતાં જે પણ મતદાન થયું છે તે ભાજપ તરફી થયું છે.
ચૂંટણી થાક લાગ્યો નથી ? એ સવાલના જવાબમાં કુંડારિયાએ જણાવ્યું હતું કે, હું ક્યારેય પણ થાકતો નથી. સાત્વિક ભોજન લઉ છું. દરરોજ સવારે પાંચ વાગ્યે ઉઠી જાઉ છું. ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ રાત્રે 12 વાગ્યે સૂઈ ગયો હતો અને આજે સવારે પાંચ વાગ્યે ઉઠી, ભગવાન ભોળાનાથની પૂજા કરી, સવારે છ વાગ્યે મોરબી સ્થિત મારા કાર્યાલયે પહોંચી ગયો હતો. બપોરે ઘરે ભોજન લીધા બાદ ફરી કાર્યાલયે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે મેં સમય પસાર કર્યો હતો. ચૂંટણીના પરિણામને એક મહિનો   બાકી છે, આ સમય દરમિયાન આપ શું કરશો ? તે સવાલના જવાબમાં તેમણે ઉમેર્યુ હતું કે, ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો પ્રારંભ થયો છે જો પાર્ટીનો આદેશ હશે તો ત્યાં ભાજપના પ્રચારાર્થે અચૂક જઈશ.
રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યાંથી ચૂંટણી લડયાં હતાં તે 69-પશ્વિમ બેઠકમાં 25,000 મતોનું નુકસાન થશે બાકી રાજકોટ-71ગ્રામ્ય બેઠકમાં 20 હજાર મતોની લીડ તેમજ રાજકોટ-68 (પૂર્વ) અને રાજકોટ-70(દક્ષિણ) બેઠક પર લગોલગ મત નિકળશે તેવો વિશ્વાસ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાએ વ્યક્ત કર્યો હતો.
પડધરી-ટંકારા તાલુકામાં થયેલા મતદાન મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, પડધરી-ટંકારા તાલુકામાં હવે મોહનભાઈનો સમય જતો રહ્યો છે અને હું પગ જમાવીને લોકોના કામ કરી રહ્યો છે. અહીં  મારા તરફી મતદાન થયું છે. જો કે, અગાઉ ધારાસભામાં જે 74 ટકા મતદાન થયું હતું તે ઘટીને આ વખતે 67 ટકા થયું છે. 7 ટકાનું મતદાન ઓછુ થવાથી મારી લીડનો રેશિયો અચૂક કપાશે પરંતુ હું જીતુ છુ તેમાં કોઈ શંકા નથી.
ચૂંટણી થાક કેવો લાગ્યો ? સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રે 3 વાગ્યા સુધી કામ કરતો રહ્યો અને આજે આખો દિવસ આરામ કર્યો છે. કહેવાય છે કે, રાજકોટ કોંગ્રેસનો આપને પૂરતો સપોર્ટ ન મળ્યો ? જવાબમાં લલીતભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટના કોંગ્રેસના તમામ કાર્યકરોએ એક મજબૂત ટીમ બનીને મને સાથ આપ્યો છે તમામ કોર્પોરેટરો પૂરી તાકાત સાથે મારી જીત માટે કમર કસી છે.
આગામી તા.23 મેના રોજ ચૂંટણીના પરિણામ છે આ એક માસના સમયગાળા દરમિયાન આપ શું કરશો ? જવાબમાં લલીતભાઈએ જણાવ્યું હતું કે, જે લોકોએ મારા પર વિશ્વાસ કરીને 42 ડિગ્રી તાપમાન વચ્ચે પણ કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યુ છે તેઓનો આભાર માનવા તેમના મતવિસ્તારમાં જવાનો છું. એટલુ જ નહીં જો પાર્ટી આદેશ કરે તો યુ.પી.માં આયોજિત લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં જવા પણ તૈયાર છુ.ં

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer