ચૂંટણી સુધી ‘PM મોદી’ ફિલ્મની રિલીઝ નહીં

ચૂંટણી સુધી ‘PM મોદી’ ફિલ્મની રિલીઝ નહીં
ચૂંટણીપંચે સુપ્રીમે કોર્ટને અભિપ્રાય સોંપ્યો : 19મી મે સુધી રોકને જરૂરી ગણાવી
નવી દિલ્હી, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ચૂંટણીના અંત પહેલાં રજૂ થાય તેવી સંભાવના નથી. ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટને આ ફિલ્મની રજૂઆત પર અંતિમ તબક્કાના મતદાન 19મી મે સુધી રોક લગાવવાને જરૂરી ગણાવ્યું છે. 17મી એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદી નિહાળ્યા બાદ 22 એપ્રિલે ચૂંટણીપંચે સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એક મીડિયા અહેવાલ મુજબ ચૂંટણીપંચે એવો સ્પષ્ટ મત આપ્યો હતો કે ચૂંટણી સમય દરમ્યાન ફિલ્મની રજૂઆતથી ચોક્કસ રાજકીય પક્ષને ફાયદો થશે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે.
અહેવાલ મુજબ પંચે ચૂંટણી સમાપ્ત થાય એ પછી જ ફિલ્મને રજૂ કરવાની સંમતિ આપી છે. 19મી મેના લોકસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થઈ રહ્યું છે એટલે તે પછી જ ઓમંગકુમાર નિર્દેશિત ફિલ્મ રિલીઝ થઈ શકશે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પંચે સુપ્રીમ કોર્ટને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફિલ્મ બાયોગ્રાફી કરતાં ‘હૈજિયોગ્રાફી’ (જેમાં કોઈ સંતનું ગુણગાન ગાવામાં આવ્યું હોય) વધુ છે. ફિલ્મની રજૂઆત ચૂંટણી સંતુલનને બગાડી શકે છે.
ફિલ્મ એક રાજકીય વ્યક્તિના જીવન પર આધારિત છે. એ વ્યક્તિના સકારાત્મક પાસાં દર્શાવવામાં આવ્યાં છે, જ્યારે વિપક્ષનું ચિત્રણ કંઈક નકારાત્મક રીતે કરવામાં આવ્યું છે. તેનાથી મતદાતાઓ પ્રભાવિત થઈ શકે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સમિતિના વિચારમાં આચારસંહિતાની અવધિ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની રજૂઆત વિશેષ રાજકીય પક્ષને ફાયદો પહોંચાડશે એટલે જ ફિલ્મને 19મી મે પહેલાં રિલીઝ કરવાની અનુમતિ આપી શકાય નહીં. અનેક દૃશ્ય એવાં છે જેમાં વિપક્ષને ભ્રષ્ટ અને ખરાબ રોશનીમાં દર્શાવવામાં આવ્યા છે. તેમના નેતાઓને એ રીતે રજૂ કરવામાં આવ્યા છે જેનાથી તેમની અસલી ઓળખ આસાનીથી ઉજાગર થઈ શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પહેલાં 11 એપ્રિલે રજૂ થવાની હતી, પરંતુ વિપક્ષના વાંધાને કારણે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
મમતા બેનરજીની બાયોપિકના ટ્રેલર રોકવા પંચનો આદેશ
કોલકાતા તા. 24:  પ. બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી પરથી બનેલી બાયોપિક ‘બાઘિની-બેંગાલ ટાઈગ્રેસ’ રીલીઝ કરવા પર, ચૂંટણી પૂરી થવા સુધી પ્રતિબંધ મૂકવા ભાજપએ માગણી કર્યા બાદ ચૂંટણી પંચે આ ફિલ્મનું ટ્રેલર પણ-ઓછામાં ઓછી 3 વેબસાઈટ્સ પરથી ઉતારી લેવાને પગલાં લીધા છે. અન્યથા ચૂંટણીના પાંચમા તબકકાના ત્રણ દિવસ પહેલાં તા. 3 મેએ આ ફિલ્મ રીલીઝ થવાની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer