રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં કાલથી ત્રણ દિવસ હીટવેવની ચેતવણી

રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં કાલથી ત્રણ દિવસ હીટવેવની ચેતવણી
43 ડિગ્રીને પાર થવાની સંભાવના
ગુજરાત બન્યું ‘ગરમા ગરમ’: અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ, તા.24: ચૈત્રી દનૈયા તપવાની સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમી ‘આકરા પાણીએ’ છે ત્યારે હવામાન વિભાગે તા.26થી 28 એમ ત્રણ દિવસ હીટવેવની ચેતવણી આપી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની અસર વધારે જોવા મળશે. સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહેંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીએ જોર પકડયું છે.  દરમિયાન ભારે ગરમીનાં કારણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે 26 એપ્રિલ માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોનાં કારણે ઉનાળો આકરા પાણીએ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાનાં કારણે શહેરોનો પારો ઉંચો જઈ રહ્યો છે. 22 એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતનાં મોટાભાગનાં શહેરનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે અને તેના પગલે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમાં પણ ગરમ પવનો ફૂંકાશે ત્યારે આવનારા દિવસોમાં તાપમાન 43થી 44 સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવાનામ ખાતાએ વ્યક્ત કરી છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે, તેવાં એંધાણ વ્યક્ત કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સામાન્ય રીતે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતો હોય છે જેને રેડ એલર્ટ ગણવામાં આવી છે. જો કે 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચતા જ લોકોને બહાર નીકળવું મુશ્કેલ પડી જાય છે ત્યારે લોકો પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને જ્યુસ, ગોલાનો સહારો લઈ રહ્યા છે. ખાસ કરીને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન     લાઇનમાં કામ કરતા શ્રમિકોને બપોરના સમયે કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ગરમીને પગલે પાણી અને અન્ય સુવિધાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer