લીલિયાના ક્રાકચ ગામની મહિલાના અગ્નિસ્નાન અંગે પોલીસ કર્મચારી સહિત ત્રણ સામે ફરિયાદ


ચોરીનું ખોટું આળ મૂકીને પરેશાન કરતાં મહિલાએ અગન પછેડી ઓઢી આપઘાત કર્યો’તો
 
અમરેલી, તા. 24: લીલિયા તાલુકાનાં ક્રાકચ ગામે રહેતી શારદાબહેન કાંતિગીરી ગોસાઈ નામની મહિલાને અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેવો પડે તેવા સંજોગો ઉભા કરવા અંગે પોલીસ કર્મચારી ભરત ઉર્ફે ભયલુ પ્રતાપભાઈ ખુમાણ સહિત ત્રણ સામે ફરિયાદ થઈ છે. ક્રાકચ ગામના પોલીસમેન ભરત ઉર્ફે ભયલુ પ્રતાપભાઇ ખુમાણ ગામનાં મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયો હતો ત્યારે તેનું પૈસા સાથેનું પાકીટ ખોવાયું હતું. આ સમયે મંદિરમાં તેનાં ગામની શારદાબહેન કાંતિગીરી ગોસાઈ નામની મહિલા દર્શન કરવા માટે આવી હતી. આ મહિલા ઉપર પાકીટ ચોરીનું આળ મૂકીને પોલીસ કર્મચારી ભરત ઉર્ફે ભયલુ ખુમાણ તથા અજીત કનુભાઈ ધાંધલ અને હરેશ ભાભલુભાઇ જેબલિયા દ્વારા ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અનહદ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
આ ત્રાસથી ગળે આવી જઈને ગઇકાલે આ મહિલાએ ઘેર કેરોસીન છાંટી સળગી જઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના પતિ કાંતિગીરી બાબુગીરી ગોસાઈએ પોલીસમેન ભરત ઉર્ફે ભયલુ ખુમાણ સહિત ત્રણ સામે તેની પત્નીને આપઘાત કરવો પડે તેવા સંજોગો ઉભા કરવાના આરોપસરની ફરિયાદ નોંધાવી હતી. એએસપી પ્રેમસુખ ડેલુ અને પીએસઆઇ એ.ડી. સાંબડેએ તપાસ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer