લાઠીના સરકારી પીપળવા ગામે આધેડની હત્યા

લાઠીના સરકારી પીપળવા ગામે આધેડની હત્યા
નિંદ્રાધીન આધેડ ઉપર  હુમલો કરીને નાસી ગયેલા બુકાનીધારીની શોધ

બાબરા, તા. 24:  લાઠીના સરકારી પીપળવા ગામે નિંદ્રાધીન આધેડ કેશવભાઇ માધાભાઇ પોકિયાની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.
સરકારી પીપળવા ગામે બે મકાન ધરાવતાં કેશવભાઇ જૂના મકાનમાં રહે છે. ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતાં કેશવભાઇ ગઇરાતના નિત્યક્રમ મુજબ ચોકમાં મિત્રો સાથે બેઠા હતાં. બાદમાં નવા બહુમાળી મકાન નજીક ડેલા પાસે સુતા હતાં ત્યારે એક અજાણ્યો બુકાનીધારી શખસ આવ્યો હતો અને તેના પેટ પર લોખંડના ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. હથિયારનો ઘા ઝીંકાવાના કારણે કેશવભાઇ જાગી ગયા હતાં અને બુકાનીધારી હુમલાખોર સાથે ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપી દરમિયાન હુમલાખોર તેના ચંપલ બનાવ સ્થળે છોડીને નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા કેશવભાઇને પ્રથમ અમરેલી અને બાદમાં રાજકોટ ખસેડાયા હતાં. જયાં તેમનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાં લાઠી પોલીસ અને એલસીબીના ઇન્સ. ડી.કે.વાઘેલા અને તેના સ્ટાફે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકને બે પુત્ર હોવાનું અને  એક પુત્ર છેલ્લા એકાદ અઠવાડિયાથી  સુરતથી સરકારી પીપળવા ગામે આંટો દેવા આવ્યાનું ખુલ્યું હતું. લાઠી તાલુકામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો બની રહ્યા છે તેમાં ખૂનના બનાવનો ઉમેરો થયો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer