સુરેન્દ્રનગરમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ

સુરેન્દ્રનગરમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ
જૂની અદાવતના કારણે બનેલી ઘટના : બે શખસ સામે ફરિયાદ

વઢવાણ, તા. 24: સુરેન્દ્રનગરમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ગોળીબારમાં ઘવાયેલા રણછોડ નાગજીભાઇ ભરવાડને ઇજા થઇ હતી. કેવલ રબારી સહિત બે શખસ સામે ફરિયાદ થઇ છે.
સુરેન્દ્રનગરના કુંભારપરામાં રહેતાં રણછોડ ભરવાડને અગાઉ કેવલ  રબારી સાથે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી. દરમિયાન આજે રણછોડ ભરવાડ તેના સ્કૂટર પર જોરાવરનગર અને સુરેન્દ્રનગરને જોડતા કોઝ-વે પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આઇ20 કારમાં કેવલ રબારી સહિત બે શખસ આવ્યા હતાં અને સ્કૂટર ઉભુ રખાવ્યું હતું. સ્કૂટર ઉભુ રહેતા તે પડી ગયો હતો અને તે કાંઇ સમજે તે પહેલા કેવલ અને તેના સાગરીતે રિવોલ્વર કાઢીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં રણછોડના પગમાં ઇજા થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે તેની ફરિયાદ પરથી કેવલ રબારી સહિત બે સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.આ બન્ને શખસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer