પહેલીવાર કોંગ્રેસ કરતા વધુ બેઠકો ઉપર લડે છે ભાજપ

પહેલીવાર કોંગ્રેસ કરતા વધુ બેઠકો ઉપર લડે છે ભાજપ
આ વખતે કોંગીના 423 સામે ભાજપના 437 ઉમેદવાર
નવી દિલ્હી, તા. 24:  ભારતીય રાજનીતિના બદલાઈ રહેલા દોરના સંકેત પણ મળવા લાગ્યા છે.
ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા વધારે સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે. આ પહેલા 2014માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઇતિહાસમાં સૌથી વધારે લોકસભાની સીટો જીતી હતી અને કોંગ્રેસ પાર્ટીનો દેખાવ તેના ઇતિહાસમાં સૌથી નબળો રહ્યો હતો અને માત્ર 44 સીટ મળી હતી. એક સમયે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી પરંતુ હવે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ફેલાઈ રહ્યું છે.
કોંગ્રેસ ગઠબંધનના ચક્કરમાં ઓછી સીટો ઉપર મેદાનમાં છે. આ વખતે કોંગ્રેસે 423 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે ભાજપે 437 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે. ઉત્તરપ્રદેશમાં હજુ પણ કેટલીક સીટો ઉમેદવારની જાહેરાત કરવામાં આવનાર છે પરંતુ ત્યારબાદ પણ તે ભાજપથી આગળ રહેશે નહીં. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ આ ઐતિહાસિક તક છે. કારણ કે, કોંગ્રેસને સ્વતંત્રતા બાદ સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ તરીકે જોવામાં આવે છે.  જ્યારે ભારતમાં ભાજપની છાપ તેના કરતા ઓછી રહી છે. ભાજપે વાજપેયીના નેતૃત્વમાં 1998-99માં કેદ્રમાં સત્તા મેળવી હતી પરંતુ 2014ની જીત બાદ તેને રાષ્ટ્રીય સ્તર પર જોરદાર દેખાવ કરવાની તક મળી છે. એકબાજુ તેને 282 સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 44 સીટ પર જીત મળી છે. કોંગ્રેસ પાર્ટીને મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો પણ મળી શક્યો નથી. કોંગ્રેસનું કહેવું છે કે, ગઠબંધનના લીધે ઓછી સીટ ઉપર તેમની પાર્ટી મેદાનમાં ઉતરી છે. તેમની નબળાઇ કરતા ગઠબંધનની રણનીતિ વધારે મહત્વની છે. ઘણી સીટો સાથી પક્ષોને આપી છે જેના લીધે તેમની સીટોની સંખ્યા ઘટી છે. 2014માં કોંગ્રેસને 44 સીટો મળી હતી
પરંતુ તેના ઉમેદવારો વધારે હતા તે વખતે કોંગ્રેસે 464 ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે ભાજપે 428 ઉમેદવાર ઉતાર્યા હતા. 2009માં ભાજપે 433 અને કોંગ્રેસે 440 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer