‘EVMના નસીબમાં પણ ગાળો લખી છે’

‘EVMના નસીબમાં પણ ગાળો લખી છે’
ઝારખંડમાં પીએમ મોદીનો પલટવાર ઈં બંગાળમાં કહ્યું, વડાપ્રધાન બનવા બધા તલપાપડ
લોહરદગા (ઝારખંડ), તા.24 : ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં થયા હોવાના વિપક્ષના આક્ષેપો પર આક્રમકતાથી પલટવાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘મહામિલાવટીઓ’ને ચૂંટણીના ત્રણ તબક્કા પછી કોઈ તક બચી ન હોવાનું સમજાઈ ગયું છે અને એટલે જ અત્યારથી ઈવીએમ પર આરોપો મઢવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણીપ્રચાર માટે ઝારખંડના લોહરદગામાં જનસભા સંબોધતાં મોદીએ કહ્યું કે જે રીતે પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થી પેન, પેપર અને બેન્ચને દોષ દેતા હોય છે એ જ રીતે મોદીને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપી રહ્યા છે. બિચારાં મશીનના નસીબમાં પણ વિપક્ષોની ગાળો ખાવાનું લખ્યું લાગે છે.તેઓએ પોતાની હારનું ઠીકરું ઈવીએમ પર ફોડવાની શરૂઆત અત્યારથી કરી દીધી છે.
પીએમે કહ્યું કે દિલ્હીમાં તમે મજબૂત સરકાર બનાવી એટલે જ આજે નક્સલવાદ-માઓવાદ પર આપણે આટલો કાબૂ મેળવી શક્યા છીએ. ભાજપ-એનડીએ સરકારના પ્રયાસોનું જ આ પરિણામ છે કે દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ઘણો ઘટાડો આવ્યો છે. ઝારખંડમાં પણ તમે એ બાબત અનુભવી શકતા હશો કે જે વિસ્તારોમાંથી દિવસે પણ પસાર થવામાં લોકો ડરતા હતા ત્યાં હવે સ્થિતિ ઝડપથી બદલી રહી છે.
પશ્ચિમ બંગાળમાં સતત બીજા દિવસે પ્રચાર કરતાં મોદીએ વિપક્ષ ઉપર ધગધગતો વ્યંગ કર્યો હતો અને કહ્યું હતું કે, 20-2પ બેઠકો ઉપર લડતા પક્ષના નેતા પણ વડાપ્રધાન બનવા માગે છે. જાણે બધા ઝાંઝરાં બાંધીને તૈયાર થઈ ગયા છે. ત્રણ તબક્કાનાં મતદાન બાદ એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે મમતા બેનરજીનો સૂર્ય હવે અસ્ત થઈ રહ્યો છે.
તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને તેમના મહામિલાવટી સાથીઓનું આતંકવાદ પર કેવું વલણ છે તે ધ્યાને રાખજો. આ લોકો પાકિસ્તાનને પાઠ ભણાવનારા આપણા વીરો પર જ સવાલ ઉઠાવી રહ્યા છે. વિરોધીઓ કહી રહ્યા છે કે પુરાવા લાવો, તો જ અમે માનીશું કે પાકિસ્તાનમાં હુમલો થયો છે. તેઓ આપણા દેશના વીર જવાનોના પરાક્રમ પર શંકા કરી રહ્યા છે.
તેમણે ગઈકાલે રાંચીમાં થયેલા રોડ-શોનો ઉલ્લેખ કરીને કહ્યું કે એક સરકારને ફરી બનાવવા માટે જનતાનો મિજાજ શું હોય છે એ ઝારખંડના લોકોએ ગઈકાલે દર્શાવી દીધું હતું.
 ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં મતદાનની શરૂઆત ચોથા તબક્કાથી થશે. અહીં 29 એપ્રિલે ત્રણ બેઠક ચતરા, લોહરદગા અને પલામૂમાં મત પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer