રાજસ્થાન સામે કોલકતાને જીતની તલાશ

રાજસ્થાન સામે કોલકતાને જીતની તલાશ
કોલકતા, તા.24: રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઇપીએલના ગુરુવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ જ્યારે મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો જીતના ક્રમ પર વાપસી કરવાનો રહેશે. કોલકતાની ટીમે પાછલા પાંચ મેચમાં સતત હાર સહન કરવી પડી છે. મોટાભાગે ઓલરાઉન્ડર આંદ્રે રસેલ પર નિર્ભર રહેતી કેકેઆર ટીમના કેપ્ટન દિનેશ કાર્તિક આથી સતત ટીકા થઈ રહી છે. તે રસેલને ઉપરના ક્રમે બેટિંગમાં કેમ મોકલતો નથી તેવો સવાલ પણ થઈ રહ્યો છે.
વિશ્વ કપમાં પંતનાં સ્થાને પસંદ થયેલ કાર્તિકે કેકેઆર માટે ગત સિઝનમાં સર્વાધિક રન બનાવ્યા હતા, પણ આ સિઝનમાં 9 ઇનિંગમાં16.71ની મામૂલી સરેરાશથી રન કરી શક્યો છે. ટીમ મેનેજમેન્ટ ચાઇનામેન સ્પિનર કુલદિપ યાદવની નિષ્ફળતાથી પણ હતાશ છે. હૈદરાબાદ સામેની હાર પછી સુકાની કાર્તિક અને કુલદિપને બે દિવસનો બ્રેક અપાયો હતો. કેકેઆરની ટીમ 8 ટીમ વચ્ચે પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા નંબર પર છે. વધુ એક હારથી તેના પ્લે ઓફના દ્વારા લગભગ બંધ થઈ જશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ પણ જીતના ક્રમ પર વાપસી કરવા માંગશે. તે 10 મેચના અંતે 3 જીતથી 6 પોઇન્ટ સાથે સાતમા નંબર પર છે. કેકેઆર સામેની હારથી તે આઇપીએલ - 12માંથી બહાર થઈ જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer