જૂનાગઢમાં ભાજપ ઉમેદવારના ટેકેદારે ગુંડા સાથે લોકોને મતદાન કરતા રોક્યા

જૂનાગઢમાં ભાજપ ઉમેદવારના ટેકેદારે ગુંડા સાથે લોકોને મતદાન કરતા રોક્યા
પોલીસે 4 લાખની રોકડ, દારૂ સાથે બેની ધરપકડ કરી: ભીનું સંકેલવા ભાજપ આગેવાનોનું દબાણ, પણ પોલીસે મચક ન આપી
જૂનાગઢ, તા.23: લોકશાહીનાં પર્વમાં લોકોને મતદાન કરવા માટે ચૂંટણીપંચ, વડાપ્રધાન સહિતના અપીલ કરે છે ત્યારે જૂનાગઢમાં લોકશાહીને લાંછનરૂપ, જૂનાગઢ ભાજપના ઉમેદવારનો કહેવાતો ટેકેદાર ગુંડાઓની મદદ વડે મતદારોને મતદાન કરતાં રોકતો હતો તેની પ્રતિતિરૂપ મતદારને મતદાન કરતા રોકવા હુમલો કરનાર સાથે આ ઉમેદવારના ટેકેદારને પોલીસે રૂ.4 લાખની રોકડ, દારૂ તથા કાર સાથે સરદાર ચોકમાંથી ઝડપી લઇ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં આજે સવારે 7 વાગ્યે મતદાનનો પ્રારંભ થયો હતો ત્યારે આંબેડકરનગરમાં રહેતા કેશુ લાખા વાઘ (ઉ.વ.પ0) મતદાન કરવા જઈ રહ્યા હતા ત્યારે પ્રદિપના ખાડિયામાં રહેતા સંજય ઉર્ફે બાડીયો દુલા સોલંકી અને કિશોર ખાંટએ મતદાન કરવા ન જવા જણાવતા તેનો ઇન્કાર કરતા લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
આ બનાવની જાણ થતાં એ - ડિવિઝન પીઆઈ એમ.એ.વાળા તથા સ્ટાફ દોડી ગયો હતો. ત્યાં સરદાર ચોકમાં મતદારોને મતદાન કરતાં અટકાવવામાં આવી રહ્યાની ફરિયાદ મળતાં જ પોલીસ કાફલો સરદાર ચોક પહોંચ્યો હતો અને ટોળાએ દૂર  કર્યા હતા.
ત્યાં બ્રેઝા મોટરકાર નં.જીજે-11-બીઆર-6264 ઉભી હતી. પોલીસે તેમાં તપાસ કરતાં સવારે મતદાન ઉપર હુમલો કરનાર ખડિયાનો સંજય ઉર્ફે બાડીયો દુલા સોલંકી મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂ.62,220 કબજે કર્યા હતા.
તેની સાથે કારમાં રહેલ ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાનો ટેકેદાર અને ભાજપનો કાર્યકર રવિરાજ અતુલ વ્યાસ જણાતા પોલીસે તેની પાસેથી રૂ.3 લાખ 31 હજાર રોકડા તથા દારૂની બોટલ કબજે કરી કાર સહિત કુલ રૂ.7 લાખના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ  ધરી હતી.
આ ઘટનાની જાણ થતાં ભાજપના આગેવાનો દ્વારા પોલીસ ઉપર દબાણ લાવી ભીનું સંકેલવા મથામણ કરી હતી પણ પોલીસે મચક આપી ન હતી. અંતે રવિરાજ વ્યાસને ગણતરીનાં કલાકોમાં કોર્ટમાં રજૂ કરતાં જામીન ઉપર મુક્ત કરાયો હતો. જ્યારે તેની સાથે ઝડપાયેલ સંજય બાડીયો પોલીસ લોકઅપમાં રખાયો છે.
કોંગ્રેસની વોટ બેંકવાળા વિસ્તારોમાં મતદારોને મતદાન કરતા રોકવા માટે ભાજપ ઉમેદવારના ઇશારે તેનો ટેકેદાર રવિરાજ ગુંડાઓની મદદથી મતદારોને મતદાનથી દૂર રાખવાના ઇરાદાનો પર્દાફાશ થતાં સર્વત્રથી ફિટકાર વરસી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer