સૌરાષ્ટ્રની 7 બેઠકો પર સરેરાશ 58.59 % મતદાન

સૌરાષ્ટ્રની 7 બેઠકો પર સરેરાશ 58.59 % મતદાન
પોરબંદરમાં નેંધપાત્ર 4.15 ટકા મતદાન વધ્યું જ્યારે જૂનાગઢમાં 3.37 ટકા ઘટયું
અન્ય બેઠકોમાં 2014ની પેટર્ન મુજબ જ થયું મતદાન: ઉમેદવારો અવઢવમાં
રાજકોટ, તા. 23 : વર્ષ 2014 કરતાં આ વખતે કેટલું મતદાન થશે, તેના ઉપર સૌની નજર હતી અને આજે મતદાનના અંતે આંકડાઓ સામે આવતાં રાજકીય તજજ્ઞો પણ વિચારમાં પડી ગયા છે અને ઉમેદવારોમાં પણ મુંઝવણ વધી છે. એક તો મતદારોએ પોતાનું મન કળવા દીધું નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર સરેરાશ પ8.1પ ટકા મતદાન થયું હતું અને આ વખતે મતદાન પૂર્ણ થયા બાદના આંકડા સામે આવતાં સરેરાશ પ8.પ9 ટકા મતદાન થયું હોવાનું તારણ સામે આવ્યું છે. ગયા વખત કરતાં સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર માત્ર અડધો ટકો જ મતદાન વધ્યું છે. આ વખતે નવા-યુવા મતદારો પણ સારી સંખ્યામાં ઉમેરાયા છે છતાં મતદાન જોઈએ એટલું વધ્યું નથી. અલબત્ત, સૌરાષ્ટ્રમાં મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું.
સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ગરમી વચ્ચે પણ સવારથી મતદાતાઓ નીકળી પડયા હતા પણ જોઈએ એટલો ઉત્સાહ હતો નહીં. મતદાનનો માહોલ જામ્યો નહોતો છતાં સારું મતદાન થયું હતું. સારી વાત એ છે કે, ગામડાંમાં વધારે મતદાન થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ મતદાન વધવું જોઈતું હતું પણ રાજકીય પક્ષોને, ઉમેદવારોને જેટલી આશા હતી, તે ફળીભૂત થઈ નથી. 2014ની પેટર્ન મુજબ જ મતદાન થયું હતું. જો કે, યુવા મતદારો વધ્યા છે પણ મતદાન કરવામાં જોઈએ એવી જાગૃતિ આવી નથી. મોટી ઉંમરના, આધેડ મતદારો જ મતદાન કરતા જોવા મળ્યા હતા. યુવાનો નીકળવા જોઈએ એટલા નહોતા નીકળ્યા.
જામનગરના અહેવાલ મુજબ, જામનગર બેઠકની આજ તા.23 એપ્રિલ 2019ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર અને સંબંધિત અધિકારીઓના નેજા હેઠળ સવારે 7 વાગાથી સાંજે 6 વાગા સુધીમાં આ મતદાન 58.26 ટકા જેટલું થયું હતું.
મતદાન એકંદર શાંતિપૂર્ણ થયું હતું. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં 57.80 ટકા મતદાન નોંધાયું હતું. તેનું આ વખતે પુનરાવર્તન થયું હતું અને માત્ર 0.46 ટકા વધુ નોંધાયું હતું. જ્યારે જૂનાગઢના અહેવાલ મુજબ ગયા વખતની સરખામણીમાં ત્રણેક ટકા મતદાન ઘટયું છે. વેરાવળના અહેવાલ મુજબ, જિલ્લામાં સૌથી વધારે સોમનાથ બેઠક ઉપર 70.84 ટકા અને સૌથી ઓછું પ8.09 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ બેઠક માટે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
સુરેન્દ્રનગર બેઠક માટે ત્રિપાંખીયો જંગ હોવા છતાં, સૌથી વધારે ઉમેદવારો હોવા છતાં રસાકસી થવાની સંભાવના હતી અને રસાકસીના પગલે મતદારો મતદાન કરવા નીકળી પડશે અને ગયા વખત કરતાં વધારે મતદાન થશે, તેવી અપેક્ષા હતી પણ આ વખતે ય મતદારો અકળ રહ્યા હતા અને ગયા વખત જેટલું જ મતદાન થયું હતું. અમરેલીના અહેવાલ મુજબ, અમરેલીના શહેરી વિસ્તારોમાં સારું મતદાન થયું હતું પણ ગ્રામ્ય વિસ્તારમાં નિરાશા છવાઈ હતી. ગામડાંઓમાં ઓછું મતદાન થયું હતું. અમરેલીમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીની સભા થવા છતાં મતદારોમાં નિરસતા જોવા મળી હતી. જો કે, ગયા વખતની સરખામણીએ માત્ર 1 ટકો મતદાન વધ્યું હતું. આ જ રીતે ભાવનગર, રાજકોટ સહિતની બેઠકમાં ગયા વખત જેટલું જ મતદાન થયું હતું. માત્ર અમુક પોઈન્ટનો જ ફેર હતો. સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર આશ્ચર્યજનક મતદાન થતાં ઉમેદવારો મુંઝાયા છે, રાજકીય તજજ્ઞો પણ વિમાસણમાં છે. હવે, એક મહિના પછી તા.23મી મેએ પરિણામ આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer