રાહુલના ‘ખેદ’થી સુપ્રીમ કોર્ટને અસંતોષ : અનાદરની નોટિસ

રાહુલના ‘ખેદ’થી સુપ્રીમ કોર્ટને અસંતોષ : અનાદરની નોટિસ
30મીએ રાફેલ કેસ સાથે સુનાવણી
નવી દિલ્હી, તા. 23: રાફેલ સોદા અંગેના ચુકાદા વિશે કોંગ્રેસના વડા રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઈ સર્વોચ્ચ અદાલતે આજે ગાંધીને અદાલતી તિરસ્કારની નોટિસ આપી હતી. ગાંધી સામે શિસ્તભંગ અંગેની કારવાઈની સુનાવણી કરી રહેલી અદાલતે જણાવ્યુ હતું કે તેમણે કરેલી ટિપ્પણી ખોટી રીતે તેની હોવાનું ગણાવાઈ છે.રાફેલ કેસના ચુકાદાની સમીક્ષા માગતી અરજીઓ સાથે અદાલત તા.30મીએ આ બાબત પણ સાંભળશે. ભાજપી સાંસદ મીનાક્ષી લેખીએ નોંધાવેલી ફોજદારી અદાલતી તિરસ્કાર અરજીની કાર્યવાહી બંધ કરવા વિનવતી ગાંધીની અરજી ય અદાલતે નકારી હતી.
ગાંધીના ધારાશાત્રી અભિષેક મનુ સિંઘવીએ અદાલતને જણાવ્યુ હતું કે તેમના અસીલે તેમના એ નિવેદન માટે માફી માગી લીધી છે.ચોકીદાર ચોર હૈનું વિધાન સર્વોચ્ચ અદાલતના નામે ચઢાવવા બદલ ખેદ વ્યકત કરું છુ એમ ગાંધીના ધારાશાત્રીએ અદાલતને જણાવ્યુ હતું.
તેની પ્રતિક્રિયામાં લેખીના ધારાશાત્રી મુકુલ રોહતગીએ જણાવ્યું હતુ કે કાયદાની નજરે આ કંઈ માફી નથી. રાહુલ ગાંધી તરફથી અદાલતમાં જણાવાયું કે અદાલતે જણાવ્યુ છે કે ચોકીદાર ચોર હૈ-એવા પોતાના બયાન માટે તેમને ખેદ છે, પણ ચોકીદાર ચોર છે એવા પોતાના રાજકીય બયાન પર તેઓ હજી કાયમ છે.
સુનાવણીમાં રોહતગીએ જણાવ્યુ હતું કે મેં કોર્ટનો આદેશ જોયો ન હતો અને જોશ તથા ઉલ્લાસમાં નિવેદન આપ્યુ હતુ. રાહુલે એ નિવેદન માટે ખેદ પ્રગટ કર્યો છે અને તે ય એક લાઈનમાં લખેલું છે, જે એક દેખાડો (લીપ સર્વિસ) માત્ર છે, જ્યારે સર્વોચ્ચ અદાલતે પૂછયું કે ચોકીદાર કોણ છે ? ત્યારે મુકુલ રોહતગીએ જણાવ્યુ કે રાહુલે અમેઠીથી લઈ વાયનાડમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે ચોકીદાર ચોર હૈ અને ચોકીદાર નરેન્દ્ર મોદી છે. આમ જોવું રહ્યું કે એક રાષ્ટ્રીય પક્ષના નેતા સર્વોચ્ચ અદાલત સાથે કેવો વર્તાવ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer