આ કંઈ વડાપ્રધાન પદની હરાજી નથી: મમતાને મોદીનો ટોણો

આ કંઈ વડાપ્રધાન પદની હરાજી નથી: મમતાને મોદીનો ટોણો
ઓરિસ્સામાં મોદીએ કહ્યું, ‘નવીન બાબુ, તમારો જવાનો સમય આવી ગયો છે’
આસનસોલ, તા.23: ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આજે સવારે ગુજરાતમાં મતદાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોર પછી ફરીથી પ્રચાર અભિયાન આગળ ધપાવ્યું હતું અને પશ્ચિમ બંગાળનાં આસનસોલમાં જનસભાને સંબોધતા મુખ્યમંત્રી મમતા બેનરજી ઉપર ધગધગતા હુમલા કર્યા હતાં. મોદીએ કહ્યું હતું કે, દેશનાં સર્વોચ્ચ પદની કોઈ હરાજી ચાલી રહી નથી કે જેને સારદા અને નારદ જેવા કૌભાંડોનાં નાણાંથી ખરીદી શકાય.
વડાપ્રધાન મોદીએ મમતાને વારંવાર સ્પીડબ્રેકર દીદી સંબોધીને ટોણા માર્યા હતાં અને કહ્યું હતું કે, આપણાં દીદી ઘણી બેઠકો ઉપર લડી રહ્યાં છે અને વડાપ્રધાન બનવાનાં સપનામાં રાચે છે. જો વડાપ્રધાન પદની હરાજી થતી હોત તો કોંગ્રેસ અને મમતા બેનરજી કૌભાંડોની બધી કમાણી લઈને તેમાં આવી પહોંચ્યા હોત.
ઓરિસ્સામાં રેલી સંબોધીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણી (2019)ના પહેલા તબક્કા બાદ ભાજપની લહેર હવે વિરોધીઓ માટે લલકાર બની ગઇ છે અને કોંગ્રેસ તથા વિપક્ષી દળોની રાતની ઊંઘ ઊડી ગઇ છે. મોદીએ આરોપ મૂક્યો હતો કે, ‘પટનાયકના વડપણ હેઠળની બીજદ સરકારને માત્ર સત્તા મેળવવાની ચિંતા છે. વિકાસ ક્યારેય તેમની પ્રાથમિકતા નથી રહી. ઓરિસ્સાના લોકો બીજદ સરકારને અલવિદા કહેશે. નવીન બાબુ, તમારો જવાનો સમય આવી ગયો છે’.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer