પંજાબ સામે બેંગ્લોરનું લક્ષ્ય જીતની હેટ્રિક

પંજાબ સામે બેંગ્લોરનું લક્ષ્ય જીતની હેટ્રિક
બેંગ્લુરુ, તા.23: સતત બે જીત બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઇપીએલના બુધવારના મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ જીતની હેટ્રિક બનાવવાના ઇરાદે મેદાને પડશે. કિંગ કોહલીના સુકાનીપદ હેઠળની આરસીબીની ટીમ તેના પાછલા કેચમાં કેપ્ટન કૂલ ધોનીના સુકાનીપદ હેઠળની સીએસકે ટીમને આખરી દડે 1 રને હાર આપી હતી. ધોનીની લડાયક અણનમ 84 રનની ઇનિંગ છતાં ચેન્નાઇને અંતે હાર સહન કરવી પડી હતી. કોહલીની ટીમ હવે પછીના મેચોમાં પણ આવું લડાયક પ્રદર્શન કરવા માંગશે.
જો કે વિરાટ કોહલી અને એબી ડિ’વિલિયર્સ ધારણા અનુસાર સફળ રહ્યા નથી. જો કે અનુભવી ઝડપી બોલર ડેલ સ્ટેનના આગમનથી આરસીબીની બોલિંગ સુધરી છે. જેનો ફાયદો ચેન્નાઇ સામેના મેચમાં જોવા મળ્યો હતો. સ્ટેન પહેલી જ ઓવરમાં વોટસન અને રૈનેને આઉટ કરીને બેંગ્લોરના વિજયનો પાયો નાંખ્યો હતો. બેંગ્લોરની ટીમ 10 મેચના અંતે 3 જીતથી 6 પોઇન્ટ સાથે હજુ તળિયે છે. જ્યારે પંજાબ 10 મેચના અંતે પ જીત સાથે 10 પોઇન્ટ ધરાવે છે. આથી પંજાબ માટે હજુ પ્લે ઓફનો રસ્તો ખુલ્લો છે. તેના બન્ને ઓપનર ક્રિસ ગેલ અને કેએલ રાહુલ સામે આરસીબીના બોલરોની કસોટી થશે. પંજાબને ડેવિડ મિલર પાસેથી એક સારી આતશી ઇનિંગની આશા રહેશે. પંજાબના સુકાની અશ્વિનની સુકાનીપદની શૈલિ અને વિરાટ કોહલીની સુકાનીપદની શૈલિ અલગ છે. બન્ને ઇન્ટરનેશનલ સ્ટાર છે. આથી આવતીકાલનો મેચ જોરદાર મુકાબલો બની રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer