હત્યા પ્રકરણમાં પકડાયેલ બંને પોલીસમેન સહિત ચારેય શખસ તા.18મી સુધી રિમાન્ડ પર

ચારેયના કપડા કબજે : છરી-વાહનો કબજે કરવામાં પોલીસ અવઢવમાં

રાજકોટ, તા.14 : ઈન્દિરા સર્કલ પાસે ગત તા.10/4/19ની રાત્રીના સામુ જોવા અને મોબાઈલમાં ગીત વગાડવા સહિતની બાબતે જસદણના અભીલવ ખાચર અને કુલદીપ ખવડ નામના કાઠી મિત્રો સાથે બાજુમાં ઉભેલા શખસોને બોલાચાલી થયા બાદ મામલો બીચકયો હતો અને પોલીસમેન વિજય ડાંગર, પોલીસમેન હીરેન ખેરડીયા તથા તેના મિત્રોએ અભીલવ ખાચર અને કુલદીપ ખવડ ઉપર છરીથી હુમલો કર્યો હતો અને કુલદીપ ખવડની હત્યા કરી નાખી હતી અને અભીલવ ખાચરને ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે રાજકોટમાં રહેતા દેવેન્દ્ર હરેશ ધાંધલની ફરિયાદ પરથી બંને પોલીસમેન અને પાંચ અજાણ્યા શખસો વિરુધ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન ચોક્કસ શરતોને આધીન પોલીસમેન વિજય રાયધનભાઈ ડાંગર, પોલીસમેન હીરેન સુરેશ ખેરડીયા, કોલેજીયન પાર્થ શૈલેષ દોશી અને અર્જુનસિહ શત્રુઘ્નસિંહ ચૌહાણ હાજર થતા જામનગર રોડ પરના બાઘી ગામના પાટીયા પાસેથી ઝડપી લીધાના દાવા સાથે પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ચારેય શખસોના નિવેદનો નોંધ્યા હતા. જેમાં હત્યા કર્યા બાદ અર્જુનસિંહ ચૌહાણ તેના વતન બરડીયા ગામે, પાર્થ દોશી અને પોલીસમેન હીરેન ખેરડીયા પડધરી પાસેની હોટલે રોકાયા હતા. બાદમાં અમદાવાદ નાસી છુટયા હતા તેમજ પોલીસમેન વિજય ડાંગર સોમનાથ દર્શને જતો રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પોલીસે બન્ને પોલીસમેન સહિત ચારેય શખસોને અદાલતમાં રજુ કરતા અદાલતે તા.18મી સુધી રિમાન્ડ  મંજુર કર્યા હતા. પોલીસે ચારેય શખસોના કપડા કબજે કર્યા હતા તેમજ છરી તથા વાહનો સહિતના મામલે પોલીસ પણ અવઢવમાં મુકાઇ હતી તેમજ અન્ય સાગરીતો કોણ-કોણ તે મામલે પકડાયેલા ચારેય શખસોએ કાંઈ જણાવ્યું ન હોય અને મૌન ધારણ કરી લેતા પોલીસે પણ તપાસ ચાલુ હોવાનું રટણ શરૂ કરી દીધું હતું. હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં પોલીસની કામગીરી સંદર્ભે અનેક તર્કવિતકો થઈ રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer