વાવડીમાં કારખાનામાં પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત


રાજકોટ, તા.14 : વાવડી ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા શિવમ પ્લાસ્ટીક નામના કારખાનામાં કામ કરતી મુળ દાહોદના ધાનપુર ગામની ભારતીબેન પ્રદીપભાઈ પરમાર નામની પરપ્રાંતીય પરિણીતાએ કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બાઈક : થાનગઢ ગામે રહેતો મનોજ નટવરભાઈ પરમાર નામનો યુવાન અને તેના મામા મુકેશભાઈ જાદવ બાઈકમાં બેસી કુવાડવા જીઆઈડીસી પાસેથી પસાર થતા હતા ત્યારે મનોજ પરમારે બેફીકરાઈપૂર્વક બાઈક ચલાવતા બાઈક સ્લીપ થતા બંને ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થવાથી મામા મુકેશભાઈ જાદવનું મૃત્યુ નિપજયું હતું અને મનોજને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે સાગર ગોપાલ પરમારની ફરિયાદ પરથી મનોજ પરમાર સામે ગુનો નોંધ્યો હતો.
પાસા : જામનગર રોડ પરની સૈનિક સોસાયટીમાં રહેતા અનીલભાઈ ગુણવંતરાય ઓઝા નામના પ્રૌઢે થોડા દિવસ પહેલા કલેકટર કચેરીમાં રજુઆતના મામલે ઝઘડો કરી તોડફોડ કરી હતી અને પોલીસે ફરજમાં રુકાવટ કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. દરમિયાન અનીલભાઈ ઓઝાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધા હતા તેમજ કોઠારીયા મેઈન રોડ પરના શિયાણીનગરમાં રહેતા અને દારૂના ગુનામાં પકડાયેલા ઓસમાણ ઉર્ફે ઓસુ ઈબ્રાહીમ માંડકીયા નામના બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.
મેચ : કરણપરા-9 માં આવેલી જે.ડી.ઓપ્ટીક નામની દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને પ્રહલાદ પ્લોટમાં મણીકુંજમાં રહેતા રાજેશ જેન્તીભાઈ બ્રહ્માણી નામના કડીયા શખસને ઝડપી લઈ રૂ.ર6 હજારની રોકડ, મોબાઈલ અને સાહિત્ય સહિત રૂ.31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાળકી : જામનગર રોડ પર રઘુવીર ઓઈલ મિલ ગોડાઉનમાં રહેતા દીપક રાઠોડ નામના યુવાનની પુત્રી રવિના (ઉ.પ માસ) ઘરમાં હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer