‘ભાજપને કોંગ્રેસ કરતા ત્રણ ગણી બેઠક મળશે’

‘ભાજપને કોંગ્રેસ કરતા ત્રણ ગણી બેઠક મળશે’
કથુઆ, મુરાદાબાદ અને અલીગઢમાં વડાપ્રધાન મોદીની જનસભા
મુફ્તિ - અબ્દુલ્લા, સપા - બસપા ઉપર શાબ્દિક પ્રહાર
નવી દિલ્હી, તા. 14: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનાં મતદાન પહેલા પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના કથુઆ, ઉત્તર પ્રદેશના મુરાદાબાદ અને અલીગઢમાં જનસભા સંબોધી હતી. કથુઆમાં મેદની સંબોધતા મોદીએ પીડીપી અને નેશનલ કોન્ફ્રેન્સ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરની ત્રણ-ત્રણ પેઢીને બે પરિવારે તબાહ કરી છે. મુફ્તિ અને અબ્દુલ્લા પરિવારને સંબોધીને મોદીએ કહ્યું હતું કે, આ મોદી છે જે ડરતો નથી, જુકતો નથી અને વેંચાતો પણ નથી. મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, હવે તેને સમજાય ગયું છે કે ત્રીજી ભુલ કરવાની હિમત કરી તો ન થવાનું થઈ જશે.
 આ દરમિયાન કોંગ્રેસને પણ નિશાને લેતા મોદીએ કહ્યું હતું કે, પાક તરફ ઝુકાવ ધરવતા અલગતાવાદીઓ પ્રત્યે કોંગ્રેસ નરમ છે. જ્યારે મુરાદાબાદમાં પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, વિપક્ષ પાસે મોદીને ગાળો આપવાનું એકમાત્ર કામ બચ્યું છે. સપા-બસપા ગઠબંધન અંગે મોદીએ કહ્યું હતું કે, હાથી સાઇકલ ઉપર સવાર છે અને નિશાને ચોકીદાર છે. આ સાથે ભાજપને કોંગ્રેસથી ત્રણ ગણી બેઠક મળશે તેવો દાવો કર્યો હતો.
જમ્મુ કાશ્મીરના કથુઆમાં રેલી દરમિયાન મોદીએ ખાસ કરીને મુફ્તિ અને અબ્દુલ્લા પરિવાર ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ લોકોને કહ્યું હતું કે કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્ય માટે આ બન્ને પરિવારની વિદાય જરૂરી છે. આ બે પરિવાર પૂરાં કુટુંબને મેદાનમાં ઉતારે, કાકા, મામા, ભાઈ, ભત્રીજા, ભાણેજ, સાળા તમામ ભેગા થઈને મોદીને ગાળો આપે પણ દેશના ટુકડા કરી શકશે નહીં. કોંગ્રેસને નિશાને લેતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ કહે છે કે સત્તામાં આવશે તો સેનાના અધિકાર છિનવી લેશે. તેઓ કાશ્મીરમાંથી સેના દૂર કરવા માગે છે. આ સેનાનું મનોબળ તોડવાનું એક ષડયંત્ર છે પરંતુ કોંગ્રેસના વિચારો સામે મોદી દિવાલ છે તે આ લોકો ભૂલી ગયા છે. મોદીએ ગંભીર આરોપ મૂકતા કહ્યું હતું કે, સેના કોંગ્રેસ માટે કમાણીનું એક સાધન છે.   મુરાદાબાદમાં પણ વિપક્ષો ઉપર મોદીએ આકરા પ્રહાર કર્યા હતા. વધુ એક વખત ટ્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવતા મોદીએ કહ્યું હતું કે, તેઓ ફરીથી સંસદમાં ટ્રિપલ તલાકનો ખરડો લઈને આવશે. આ ઉપરાંત સપા-બસપા ગઠબંધન ઉપર પણ પ્રહારો કર્યા હતા.
ફારુક, ઓમર અને મુફ્તિનો વળતો હુમલો
નવીદિલ્હી, તા.14: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદ મુદ્દે કરેલા પ્રહાર બાદ જમ્મુ-કાશ્મીરના ત્રણ નેતા ઓમર અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિએ વળતો ત્રેવડો હુમલો બોલાવ્યો હતો. જેમાં ઓમરે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, મોદી જમ્મુ-કાશ્મીરને રાજકીય પરિવારોથી છૂટકારો અપાવવાની વાત કરે છે પરંતુ આ ભાજપે જ 2014માં મુફ્તિ પરિવારના એક નહીં પણ બે સદસ્યોને મુખ્યમંત્રી બનાવડાવ્યા હતા. જ્યારે ઓમરના પિતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, અબ્દુલ્લાના કારણે જ કાશ્મીર ભારત સાથે છે. બાકી તો પાકિસ્તાનનો વિકલ્પ પણ ખુલ્લો જ હતો. જ્યારે મુફ્તિએ કહ્યું હતું કે ભાજપ મુસ્લિમો અને લઘુમતિને બહાર કરવાના પોતાના વિનાશક એજન્ડામાં દેશને વિભાજિત કરવા માગે છે. ચૂંટણીમાં વડાપ્રધાન પરિવારવાદ ઉપર હુમલા કરે છે અને પછી ગઠબંધન માટે દૂત પણ તે જ મોકલે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer