જામનગર-રાજકોટ હાઇ-વે પર ટોલ નાકાનો ગાર્ડ 93 બોટલ દારૂ સાથે પકડાયો

સ્ટોરરૂમમાંથી દારૂ નીકળ્યો
જામનગર, તા.14 : જામનગર-રાજકોટ હાઇ-વે પર સોયલ ટોલ નાકા પાસે એક સ્ટોરરૂમમાંથી પોલીસે 93 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો કબજે કરી ટોલ નાકાના સિક્યોરીટી ગાર્ડની ધરપકડ કરી છે. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખસોને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
જામનગર-રાજકોટ હાઇ-વે પર ધ્રોલ નજીક સોયલ ટોલ નાકાની બાજુમાં પાર્કિંગ એરિયા પાસે આવેલા એક સ્ટોરરૂમમાં ઇંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની અને ત્યાંથી તેની હેરફેરી કરી ખાનગીમાં વેંચાણ થતું હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે ગઇકાલે સાંજે દરોડો પાડયો હતો. દરોડાની આ કાર્યવાહી દરમિયાન સ્ટોરરૂમમાંથી 93 નંગ ઇંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી, પોલીસે રૂા.46,500ની કિંમતના ઇંગ્લીશ દારૂના જથ્થા ઉપરાંત મોટર સાઇકલ મળી કુલ રૂા.66,500ની મતા કબજે કરી હતી અને ટોલનાકામાં જ સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અમન યુસુફ વાઘેર નામના શખસની ધરપકડ કરી છે.
પોલીસે ઉપરોક્ત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા દિવ્યરાજસિંહ ઉર્ફે ભાણુ, કિરીટસિંહ સરવૈયા અને રાજદિપસિંહ ઘનશ્યામસિંહ સોઢાને ફરારી જાહેર કર્યા છે અને તેઓને ઝડપી લેવા શોધખોળ હાથધરી છે.
-----------
 
ભાઇ-બહેન, પતિ-પત્ની સહિત દારૂની મહેફિલ માણતા 10 પકડાયા
ક્ષ     અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં મકાનના ધાબા પર ‘બર્થ-ડે’ પાર્ટીના રંગમાં
       પોલીસે પાડયો ભંગ
અમદાવાદ, તા.14:  અમદાવાદ શહેરના વત્રાપુરના બોડકદેવ વિસ્તારમાં મકાનના ધાબા પર દારૂની મહેફીલ માણતા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલાઓમાં એક સગા ભાઇ-બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે. આ લોકો બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.   
મળતી વિગતો અનુસાર, વત્રાપુરના બોડકદેવ વિસ્તારમાં આવેલા રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર 10 જેટલા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા હતા. આ બાબતની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતીના આધારે પોલીસે 4 નંબરના બંગલામાં રેડ કરી 3 યુવતીઓ અને 7 યુવકોને દારૂ પીધેલી આલતમાં ઝડપી લીધા હતા. પોલીસને બે ખાલી દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બર્થ-ડે પાર્ટી હોવાથી રિજન્ટ પાર્કમાં જ રહેતો મોહિલ પટેલ નામનો શખ્સ હાલ નાગપુર નોકરી કરતો હોવાથી ત્યાંથી દારૂ લાવી મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઇ-બહેન અને પતિ-પત્નીનો પણ સમાવેશ થાય છે.
દારૂ પીધેલી હાલતમાં પકડાયેલાઓમાં મોહિલ પટેલ ઉપરાંત કિર્તન પટેલ, ગિરીશ ફુલવાણી, કરણ પટેલ, ચિરંતન વિક્રમ સાહ, શીખા વિક્રમ શાહ, કુશાન કંસારા, હિમાની કુશાન કંસારા, રિષભ ગુપ્તા, દેવયાની પટેલનો સમાવે થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ અમદાવાદ સોલા રોડ પર આવેલી ક્લબમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer