સૌરાષ્ટ્ર બન્યું ચૂંટણી પ્રચારનું એપી સેન્ટર

મોદી, રાહુલ ગાંધી અને અમિત શાહ જાહેરસભા ગજાવવા આવી રહ્યાં છે
આજે કોડિનારમાં અમિત શાહ અને ભાવનગરમાં રાહુલ ગાંધી, વડાપ્રધાન 17મીએ સુરેન્દ્રનગરમાં
ભાવનગર, વઢવાણ, કોડીનાર, તા.14 : લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર મહત્વનું સેન્ટર બની રહ્યું હોય બન્ને મુખ્ય પક્ષો દ્વારા સૌરાષ્ટ્રના શહેરોમાં રાષ્ટ્રીય નેતાગીરીઓને ઉતારી ચુંટણી સભાઓના આયોજન કર્યા છે. રાજયમાં સૌરાષ્ટ્ર પ્રચાર માટેનું એપી સેન્ટર બની રહ્યુ હોય તેમ કોડીનારમાં અમિત શાહ, ભાવનગરમાં રાહુલ ગાંધી અને સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાઓ યોજાનાર છે.
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, મનહર પટેલ અને પુંજાભાઇ વંશના સમર્થનમાં રાહુલ ગાંધી તા.15મીએ જાહેરસભા સંબોધશે. આસરાણા ચોકડી, રાજુલા, જેસર હાઇવે પાસે, તા.મહુવા, જિ.ભાવનગર ખાતે બપોરે બે વાગ્યે આ સભા શરૂ થશે. જ્યાં રાજીવ સાતવ, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ સહિતના પક્ષના આગેવાનો હાજર રહેશે.         દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.17મીએ બુધવારે સુરેન્દ્રનગર ખાતે જાહેરસભા સંબોધશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની આ સભાની પક્ષ અને વિપક્ષમાં પણ જોરશોરથી ચર્ચા છે. જ્યારે પણ નરેન્દ્ર મોદી ઝાલાવાડમાં ગમે તે સ્થળે સભા સંબોધવા ગયા છે ત્યારે જે તે ચૂંટણીમાં તેની અસર થઇ જ છે. આથી જ આ સભા મહત્ત્વની ગણવામાં આવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer