અમદાવાદમાં અમિત શાહનું શક્તિપ્રદર્શન

12 ગામના આગેવાનો સાથે રાંધેજામાં બેઠક યોજી : સાબરમતી, ઘાટલોડીયા, નારણપુરા, ચાંદલોડીયા, ગોતા, નવા વાડજ વિસ્તારમાં ફરી વળ્યાં
અમદાવાદ, તા.14: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ ચૂક્યું છે અને હવે આગામી તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની 26 બેઠકો પર ત્રીજા તબક્કાની 23 એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઇ રાજ્યમાં ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર ધમધમી રહ્યો છે.  રાજ્યમાં હાઇપ્રોફાઇલ ગણાતી ગાંધીનગર બેઠકના ઉમેદવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા વિધાનસભા વિસ્તારમાં જબરજસ્ત રોડ-શો યોજી શક્તિપ્રદર્શન યોજ્યું હતું. અમિત શાહે કલોલમાં પણ 4 કિલોમીટર લાંબો રોડ-શો યાજી ચૂંટણીપ્રચાર કર્યો હતો. અમિત શાહની સાથે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ પણ જોડાયા હતા.
કલોલમાં કાર્યકરોએ ઢોલ-નગારા સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરી રોડ-શોમાં જોડાયા હતા. અમિત શાહે કલોલમાં બાબા સાહેબ આંબોડકર ચોકથી રોડ-શોની શરૂઆત કરી હતી. તેમની સાથે ભાજપના કાર્યકરોઅને નેતાઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા. અમિત શાહે કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ-શો બાદ રાત્રે ગાંધીનગર તાલુકાના 12 ગામોના આગેવાનો સાથે રાંધેજામાં બેઠક યોજી હતી જેમાં કાર્યકરો ઉપરાંત ખેડૂતો, પશુપાલકો સાથે તેઓએ ચર્ચા કરી હતી. જ્યારે મોડી રાતે ગાંધીનગર શહેરના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.
આજે સવારથી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહે જોરશોરથી  ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. તેમણે સાબરમતિ, ઘાટલોડિયા, નારણપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ચેરમેન-સેક્રટરીઓ સાથે ગ્રુપ મિટિંગ કરી હતી અને પોતાના મતવિસ્તારમાં લીડ વધારવા પર ભાર મુક્યો હતો. આ સિવા તેમણે જુનાવાડજ ખાતે પણ ગ્રુપ મિટિંગ કરી હતી.  અમિત શાહે અમદાવાદના રાણીપ, ચાંદલોડિયા, ગોતા, નાણપુરા અને નવા વાડજ વિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે સંવાદ કર્યો હતો જેમાં કેન્દ્રસરકારની 5 વર્ષની સિદ્ધિઓ પર ભાર મુકવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં અમિત શાહે કેન્દ્રની મોદી સરકારે દેશને મજબુત નેતૃત્વ આપ્યુ છે અને દેશ સુરક્ષિત હોવાની વાત કરી હતી તો સાથે જ કેન્દ્રની યુપીએ સરકાર સમયે નબળી નીતિઓ પર પણ કટાક્ષ કર્યો હતો.
અમિત શાહે તેમને જીતાડવા સાથે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, ગત લોકસભા ચૂંટણી કરતા આ વખતે વધુ લીડ મેળવવાના લક્ષ્યાંક સાથે અમિકત શાહ મેદાનમાં ઉતર્યા છે.
અહેં નોંધવું ઘટે કે, અમિત શાહે તેમની જીત માટે ગઇકાલે ચૈત્ર સુદ અષ્ટમીના રોજ તેમના ધર્મપત્ની સોનલબેન શાહ સાથે યાત્રાધામ અંબાજી પહોંચી નિજમંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. જ્યાં પુજારીએ કુમકુમ તિલક કરી માથે પાવડી મૂકી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા.
આજે કોડિનારમાં અમિત શાહની જાહેરસભા
જુનાગઢ લોક સભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ તા. 15/4 ને સોમવારે સવારે 11/30 કલાકે દીવ ખાતે એરપોર્ટ પર ઉતરશે ત્યાથી હેલીકોપ્ટર દ્વારા અંબુજા હેલીપેડ પર ઉતરશે ત્યાથી બાઈક રેલી સાથે પાણી દરવાજા ભા. જ. પ.ચુટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરી રોડ શો દ્વારા છારા ઝાપા ખાતે ભા. જ. પ. સભા મંચમા જાહેર સભા સબોધશે. જેમા ઉમેદવાર રાજેશ ચુડાસમા, માજી સાંસદ દીનુભાઈ સોલંકી સહીતના આગેવાનો હાજરી આપશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer