EVM સામે ફરી શંકા: વિપક્ષ સુપ્રીમમાં જશે

EVM સામે ફરી શંકા: વિપક્ષ સુપ્રીમમાં જશે
નવીદિલ્હી, તા.14 : સુપ્રીમ કોર્ટ દ્વારા સંસદીય મતવિસ્તારમાં આવતાં તમામ વિધાનસભા ક્ષેત્ર દીઠ એકને બદલે પાંચ-પાંચ ઈવીએમનાં મત વીવીપેટ સાથે સરખાવવાનો આદેશ આપી દીધા બાદ પણ વિપક્ષી દળોની ઈવીએમ સામેની શંકા યથાવત છે અને હવે પહેલા તબક્કાનાં મતદાન પછી ફરી એકવાર વિપક્ષોએ સામૂહિક રીતે આ ઈવીએમનાં મુદ્દાને ફરી ધગાવી દીધો છે અને વધુ એકવાર આ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવાની તૈયારી દેખાડવામાં આવી છે.
આજે બેઠકમાં છ જેટલા વિપક્ષનાં પ્રતિનિધિઓ જોડાયા હતાં અને ઈવીએમ સામે સવાલો ઉઠાવતા બેલેટ પેપરથી મતદાનની હિમાયત કરી હતી. બીજીબાજુ ભાજપે વિપક્ષની આ બેઠકને પરાજયનો સ્વીકાર ગણાવીને કટાક્ષ કર્યો હતો.
આજની આ બેઠક બાદ ટીડીપી અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી એ કહ્યું હતું કે,  તેઓ ઇવીએમના મુદ્દાને લઇ ફરીથી સુપ્રીમ કોર્ટ જશે. નાયડુ શનિવારના રોજ પણ ઇવીએમમાં ગરબડીની ફરિયાદને લઇ ચૂંટણી પંચ પહોંચ્યા હતા. તેમનો આરોપ હતો કે, આંધ્રપ્રદેશમાં ગુરૂવારના રોજ પહેલાં તબક્કાના વાટિંગ દરમિયાન 4000થી વધુ ઇવીએમમાં ખરાબી આવી હતી. આજે તેમણે કહ્યું કે, બહુ ઓછા દેશ છે જે ઇવીએમનો ઉપયોગ કરી રહ્યાં છે. જો આપણે વોટર્સનો વિશ્વાસ જીતવો હોય તો બેલેટ પેપરનો ઉપયોગ કરવો પડશે.
સંવિધાન બચાવોનાં શિર્ષક અંતર્ગત આયોજીત આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબલ સામેલ થયા હતાં. સિંઘવીએ કહ્યું કે પહેલાં તબક્કાની ચૂંટણી બાદ ઇવીએમ પર પ્રશ્નો ઉઠયા છે, અમને લાગતું નથી કે ચૂંટણી પંચ તેના પર પૂરતું ધ્યાન આપી રહ્યું છે. જો તમે ‘ક’ પાર્ટીને મત આપવામાં આવે છે તો ‘ખ’ પાર્ટીને મત જતો રહે  છે. વીવીપેટમાં પણ મતની રસીદ 7 સેકન્ડની જગ્યાએ માત્ર 3 સેકન્ડ જ દેખાય છે.
તેમણે કહ્યું કે લાખો મતદારોના નામ તપાસ કર્યા વગર ઓનલાઇન હટાવી દેવાયા છે. ચૂંટણી પંચને પક્ષોએ લાંબું લિસ્ટ સોંપ્યું છે. હવે આ વધુ જરૂરી થઇ ગયું છે કે કમ સે કમ 50 ટકા વીવીપેટ મતને ઈવીએમ સાથે સરખાવવામાં આવે. અમે તેના માટે સુપ્રીમ કોર્ટ જઇશું અને આખા દેશમાં તેની વિરૂદ્ધ આંદોલન કરીશું.
ભાજપે મહાગઠબંધનની આજની આ બેઠક પર કટાક્ષ કરતાં કહ્યું કે તથાકથિત ગઠબંધનને હારનો ડર સતાવી રહ્યો છે. ભાજપ નેતા જીવીએલ નરસિમ્હાએ કહ્યું કે દિલ્હીમાં જે તથાકથિત વિપક્ષી દળોની બેઠક થઇ છે તે મહાગઠબંધનની હાર સ્વીકારનાર બેઠક છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer