‘મોદીનાં હેલિકોપ્ટરમાંથી ઉતારવામાં આવેલા એ ભેદી કાળા પટારામાં હતું શું?’

‘મોદીનાં હેલિકોપ્ટરમાંથી ઉતારવામાં આવેલા એ ભેદી કાળા પટારામાં હતું શું?’
કોંગ્રેસનો સવાલ પંચ સમક્ષ તાત્કાલિક તપાસની માગણી

નવીદિલ્હી, તા.14 :  ચૂંટણી ઘમાસાણમાં હવે એક કાળા રંગનો પટારો મોટા વિવાદનું કારણ બન્યો છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં એક ફરિયાદ નોંધાવીને આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કર્ણાટકના ચિત્રદુર્ગમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક સંદિગ્ધ બ્લેક બોક્સ ઉતારીને એક ગાડીમાં રખાયું હતું. કોંગ્રેસે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો હતો.
કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને પ્રવક્તા આનંદ શર્માએ પત્રકાર પરિષદ યોજીને આ સમગ્ર ઘટના સામે સવાલો ઉઠાવ્યા હતાં અને તેની તપાસની માગણી કરવામાં આવી હતી. શર્માએ કહ્યું હતું કે, એ કાળા રંગના પટારામાં શું હતું ? તેની તપાસ પંચે કરવી જોઈએ અને વડાપ્રધાને આમાં સ્વચ્છ પુરવાર થવું જોઈએ.
શર્માએ આગળ કહ્યું હતું કે, વડાપ્રધાનનાં હેલિકોપ્ટરની સાથે વધુ ત્રણ ચોપર હતાં. ઉતરાણ બાદ એક કાળી પેટીને બહાર કાઢીને એક ખાનગી કારમાં મૂકી દેવામાં આવી હતી. જે વડાપ્રધાનનાં એસપીજી કાફલાનો હિસ્સો નહોતી.
ઉલ્લેખનીય છે કે શનિવારે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ દિનેશ ગુંડુરાવે 1પ સેકન્ડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર જારી કર્યો હતો. જેમાં દેખાતું હતું કે વડાપ્રધાનનાં બે સુરક્ષાકર્મીએ હેલિકોપ્ટરમાંથી કાળી પેટી ઉતારીને ફટાફટ એક ખાનગી એસયુવી કારમાં મૂકી દીધી હતી. કોંગ્રેસે આ બ્લેક બોક્સ સામે સવાલો ઉઠાવીને પંચ તાત્કાલિક તેની તપાસ કરે તેવી માગણી ઉઠાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer