કોઠારીયામાંથી 7પ ટકા મત ન મળ્યા તો મંડળિયું-બંડળિયું વયું જાશે: કુંડારિયા

કોઠારીયામાંથી 7પ ટકા મત ન મળ્યા તો મંડળિયું-બંડળિયું વયું જાશે: કુંડારિયા
રાજકોટ, તા. 14: રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહન કુંડારીયા મત માટે જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈને ધમકાવતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મોહન કુંડારીયાની કથિત આ ક્લિપમાં નાનુભાઈને કહેતા સંભળાય છે કે ‘આ વખતે મને કોઠારીયામાંથી 70થી 7પ ટકા મત જોઈએ.. નહીંતર મંડળી-બંડળી બધું વયું જાશે.’
થોડા વખત અગાઉ મોહન કુંડારીયાની વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી. જેનાથી પણ વિવાદ થયો હતો. એ વખતે તેમણે કહ્યું હતું કે એ ક્લિપ ચારેક વર્ષ જુની છે. એ ઘટનાના થોડા  જ દિવસમાં હવે તેમની કહેવાતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ ડોડીયાને તેઓ કહે છે કે ‘તમે દર ચૂંટણીમાં રમાડી લ્યો છો.. કોઠારીયાથી કાગદડી-હડાળા-નેકનામ આ રોડ તમારા હિસાબે થયા છે. તમે જો આ વખતે મારી સાથે રહેવાના હોય અને 70 ટકા મત કાઢવાના હોય તો ભલે નહીંતર મંડળી-બંડળી બધુ વયુ જાય.’
આટલું સાંભળીને સામેથી નાનુભાઈ કહેતા સંભળાય છે કે ‘ઈ તો તમે સાહેબ, દાટી મારોમાં. તમે કહેતા હોય તો અત્યારે રાજીનામું દઈ દઉં. હું જિલ્લા પંચાયતનો સભ્ય છું કોંગ્રેસનો. તમે પ્રેમથી વાત કરો’.
જો કે આ ઓડિયો ક્લિપમાં સાંસદ મોહન કુંડારીયા જ બોલી રહ્યા છે કે કેમ, આ ક્લિપ તાજેતરની છે કે નહીં વગેરે હકિકત જાણવા ‘ફૂલછાબ’ દૈનિક દ્વારા તેમનો ટેલિફોનિક સંપર્ક કરાયો હતો. પરંતુ તેમનો મોબાઈલ ફોન તેમના અંગત વ્યક્તિએ ઉપાડયો હતો. અને આજે સાંજથી તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમોમાં રાત સુધી તેમની સાથે જ હોવાનું જણાવી વાત કરવી મુશ્કેલ હોવાનું કહેતા આ મામલે મોહન કુંડારીયાનું મંતવ્ય મળી શક્યું ન હતું.
આ ઓડિયો ક્લિપ વિશે મોહન કુંડારીયાએ સ્પષ્ટતા કરી હતી કે ‘હું કોઈને ધમકી આપું એવો માણસ નથી. આ બધું ખોટું ફેલાવવામાં આવે છે.’ તો બીજી તરફ નાનુભાઈએ કુંડારીયાએ પોતાને ધમકાવ્યા હોવાનું જ નિવેદન આપ્યું હતું. તો : રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ આ ઘટનાને તાનાશાહી ગણાવી વખોડી કાઢી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer