ઉત્તર પ્રદેશમાં તમામ પક્ષોનો લિટમસ ટેસ્ટ

ઉત્તર પ્રદેશમાં તમામ પક્ષોનો લિટમસ ટેસ્ટ
ભાજપ, કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ
લખનઉ, તા. 14 : દેશના રાજકારણમાં કહેવામાં આવે છે કે દિલ્હીમાં સત્તાનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને પસાર થાય છે. એટલે કે ઉત્તર પ્રદેશમાં જોરદાર દેખાવ કરનારો પક્ષ કેન્દ્રમાં સત્તા મેળવે છે. ઉત્તર પ્રદેશને દેશની રાજનીતિનું હૃદય ગણવામાં આવે છે અને તેમાં લોકસભા ચૂંટણીમાં આ હૃદયના ધબકારા તેજ થયા છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એક સાથે મળીને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. પ્રથમ વખત કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રચારના મેદાનમાં આવ્યા છે.  તેમજ વર્ષ 2014ની સરખામણીએ વિપક્ષ વધારે મજબૂત છે.
અંદાજીત 20 વર્ષ બાદ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે. એક તરફ ભાજપ હજી મોદીમય છે અને તેમાં મોદીનો સાથ મળી રહ્યો છે. જો કે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પાસ કરવી તમામ પક્ષો માટે આકરી બની રહી છે. ભાજપ સામે વર્ષ 2014 જેવો દેખાવ કરવાનો પડકાર છે. ગઈ લોકસભામાં ભાજપે ઉત્તર પ્રદેશની 80માંથી 71 બેઠક જીતી હતી. જ્યારે અપના દળને બે બેઠક મળી હતી.જો કે ગઈ પેટા ચૂંટણીમાં હાર બાદ ભાજપે પણ આ વખતે વધારે પ્રયાસ કરવો પડશે. જેમાં સૌથી મોટો પડકાર ઓબીસી મત બચાવવાનો  છે. 2014 અને 2017માં ઐતિહાસિક જીત મળી પણ હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. ભાજપને સાથી પક્ષા અપનાદળ અને સોહેલદેવ સિંહ સાથે સારા સંબંધ રહ્યા નથી. બીજી તરફ સપા અને બસપા ભાજપને ઘેરવાની પૂરી તૈયારીમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer