મોદી ઝિનપિંગથી ડરે છે : રાહુલ ગાંધી

મોદી ઝિનપિંગથી ડરે છે : રાહુલ ગાંધી
ભાજપનો પલટવાર : દેશ પીડામાં અને રાહુલ ખુશ, ચીનને સુરક્ષા પરિષદ સભ્ય પદ નહેરુના કારણે મળ્યું
નવી દિલ્હી, તા. 14 : આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રયાસમાં ચીનના અડંગા ઉપર રાજકીય સંગ્રામ શરૂ થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ મુક્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગથી ડરે છે અને ચીન સામે તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. રાહુલના નિવેદન ઉપર પલટવાર કરતા ભાજપે કહ્યું હતું કે, દેશ દુ:ખી હોય છે ત્યારે રાહુલ આટલા ખુશ કેમ થાય છે. તેઓ ડોકલામ મુદ્દે ચીની રાજદૂતને મળી ચૂક્યા છે અને ચીન સાથે સારા સંબંધ છે તો રાહુલે મસૂદ મામલે ચીનને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વધુમાં એમ પણ કહ્યું હતું કે, તમારા ગ્રાન્ડ ફાધરે ભારતની કિંમતને ભેટ ન આપી હોત તો ચીન અત્યારે સુરક્ષા પરિષદનું સભ્ય ન હોત.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કમજોર મોદી શી ઝિનપિંગથી ડરેલા છે. જ્યારે ચીન ભારત સામે પગલું ભરે છે ત્યારે મોદી એક શબ્દ પણ બોલી શકતા નથી. મોદીની કૂટનીતિ ગુજરાતમાં ઝિનપિંગ સામે ઝુલા ઝુલવા, દિલ્હીમાં ગળે મળવું, ચીનમાં ઘૂંટણીયે પડવાની રહી છે. રાહુલ ગાંધીએ મોદી ઉપર કરેલા પ્રહારોનો ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જવાબ આપ્યો હતો. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભારતને પીડા થાય ત્યારે રાહુલ ખુશ કેમ થાય છે ? રાજનીતિમાં વિરોધ હોવો જોઈએ પણ આતંકવાદ મુદ્દે આવું વલણ ? રાહુલ ગાંધીને થયું છે શું ? રવિશંકર પ્રસાદે ઉમેર્યું હતું કે, 2009માં યુપીએ દ્વારા મસૂદ અઝહર ઉપર  પ્રતિબંધ લદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે કેમ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું નહોતું. આ ઉપરાંત રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કરતા રવિશંકરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના ચીન સાથે સારા સંબંધ છે. ડોકલામ મુદ્દે તેઓ ચીની દૂત સાથે મુલાકાત કરે છે તો મસૂદ અઝહર મુદ્દે પણ રાહુલે પોતાના સંબંધોનો ઉપયોગ કરીને ચીનને સમજાવવું જોઈએ.
 પુલવામા હુમલા અંગે પણ રાહુલ ગાંધી માત્ર બે દિવસ સરકાર સાથે રહ્યા હતા. ત્યારબાદ તરત એરસ્ટ્રાઈકના સવાલ ઉઠાવવા લાગ્યા હતા. આ ઉપરાંત ભાજપે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જો તમારા ગ્રાન્ડફાધરે ભારતની ંિકંમત ઉપર ગીફ્ટ ન આપી હોત તો ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ક્યારેય હિસ્સો બની શક્યું ન હોત. ભારત ગાંધી પરિવાર દ્વારા કરવામાં આવેલી ભૂલોને સુધારી રહ્યંy છે. જો કે આતંક સામેની લડાઈમાં ભારત નિશ્ચિત જીતશે. આ જવાબદારી મોદી ઉપર છોડી દો અને તમે ચીની રાજદૂતો સાથે ગુપ્ત મિટિંગ ચાલુ રાખો. અરુણ જેટલીએ પણ વિવાદનું મૂળ નહેરુ હોવાનું કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer