કોલસાના વેપારી સાથે રૂ.11.50 લાખની ઠગાઇ

ચાના ડખ્ખામાં યુવાનને માર પડયો:દારૂના ગુનામાં સંડોવાયેલ શખસ આઠ માસે પકડાયો

રાજકોટ, તા. 10: કોલસાના વેપારી સાથે રૂ. 11.50 લાખની ઠગાઇ કરવા અંગે ભગવતી પ્રાઇવેટ લીમીટેડના સંચાલક સંજીવ કૈલાશપ્રસાદ અગ્રવાલ સામે ફરિયાદ થઇ છે.
આ અંગે આર્યનગર સોસાયટીમાં શેરી નં.1.માં રહેતાં જયેશભાઇ નભુભાઇ ઢોલરિયાએ નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે,  તે કોલસાનો વેપાર કરતાં હોય ચારેક વર્ષ પહેલા કોલસાનો જથ્થાબંધનો ધંધો કરતાં ભગવતી પ્રાઇવેટ લીમીટેડના કાર્ય કરતાં સંજીવ કૈલાશપ્રસાદ અગ્રવાલ સાથે ઓળખાણ થઇ હતી. બાદમાં તે અવારનવાર સંજીવ પાસેથી કોલસાનો જથ્થો મંગાવતા હતાં. ચારેક વર્ષ પહેલા તા. 6-5-15ના રોજ કોલસાનો જથ્થો મંગાવ્યો હતો. તેના પેટે રૂ. 11.50 લાખ આરટીજીએસ મારફતે સંજીવના બેંકના ખાતામાં એડવાન્સ પેટે આપ્યા હતાં. પરંતુ સંજીવે પૈસા મળી ગયા બાદ કોલસાનો જથ્થો મોકલ્યો ન હતો. એ પછી કોલસાના જથ્થો આપવા અથવા પૈસા પરત કરવા માટે અવારનવાર માંગણી કરવા છતાં સંજીવ કોલસો કે પૈસા આપતો ન હતો. આ રીતે રૂ. 11.50 લાખની છેતરપિંડી કરી હતી.આ ફરિયાદ અંગે પીએસઆઇ પી.ડી.જાદવે તપાસ હાથ ધરી છે.
યુવાનને માર પડયો: કોઠારિયા રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં 28 વર્ષના અંકુર નાગજીભાઇ હરસોડા નામના યુવાનને ધોકાથી માર પડયો હતો. તેણે આરોપી તરીકે વિજય ગમારા, ગોપાલ ગમારા અને વિરમ ગમારાના નામ આપ્યા હતાં. આરોપીની ચાની દુકાનેથી ચા લેવાનું બંધ કરતાં ગાળો દઇને ધોકાથી માર માર્યાનો ફરિયાદમાં આરોપ મૂકાયો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા
હતાં.
આઠ માસે પકડાયો: દારૂના ગુનામાં સંડોવાયેલ મુંજકાના ટીટોડિયા કવાર્ટરમાં રહેતાં અજય ભરતભાઇ વચ્છરાજાણીને આઠ માસના અંતે પોલીસે ઝડપી લીધો હતો. આ ગુનામાં અગાઉ કિશનસિંહ ઉર્ફે કાનો બહાદૂરસિંહ તલાટિયા પકડાયો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer