નિષ્ફળ વિદ્યાર્થી ટોપરથી ચીડાય છે : રાહુલ ઉપર જેટલીનો પ્રહાર

નિષ્ફળ વિદ્યાર્થી ટોપરથી ચીડાય છે : રાહુલ ઉપર જેટલીનો પ્રહાર
રાફેલ, સર્જીકલ સ્ટ્રાઈક, ગૌહત્યા સહિતના મુદ્દે કોંગ્રેસ ઉપર પલટવાર
નવી દિલ્હી, તા. 10: અમેરિકીથી સારવાર કરાવીને ભારત પરત ફરેલા કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સોશિયલ મીડિયા મારફતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર શાબ્દિક પ્રહાર કર્યો હતો. રવિવારે કરેલા અમુક  ટ્વિટ્સમાં અરુણ જેટલીએ રાફેલ, કૌભાંડ, જીએસટી, સર્જીકલ સ્ટ્રાઈક, ગૌહત્યા સહિતના વિવાદનો ઉલ્લેખ કર્યો હતો અને ઈશારામાં રાહુલ ગાંધીને કહ્યું હતું કે, નિષ્ફળ વિદ્યાર્થી હંમેશાં ટોપરને ઇર્ષ્યાથી જોવે છે.
શરૂઆતમાં જેટલીએ લખ્યું હતું કે, છેલ્લા અમુક મહિનાથી કોંગ્રેસ ફર્જી આંદોલન ચલાવીને સરકારને બદનામ કરી રહી છે. જુઠ્ઠાણું લાંબા સમય ચાલતું ન હોવા છતાં વિપક્ષો એક પછી એક જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. રાફેલનો ઉલ્લેખ કરીને જેટલીએ કહ્યું હતું કે, રાફેલ સોદાથી ભારતની મુકાબલો કરવાની ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે અને કરોડો રૂપિયાની બચત થઈ છે. તેમ છતાં એક પક્ષે અધુરા કાગળો જાહેર કરીને ખોટી વાતોને સાચી સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાફેલ ઉપર રાહુલ ગાંધીનાં બે નિવેદનો સાંભળતા એવું લાગે છે કે તેઓ મોદી સામે અંગત અદાવત ધરાવે છે. એક ફેલ સ્ટુડન્ટ હંમેશાં ક્લાસના ટોપરને નાપસંદ કરે છે.
------------
મોદીએ ચંદ્રાબાબુનાં પુત્રનું નામ લીધું તો ચંદ્રાબાબુએ મોદીનાં પત્નીનું
નવીદિલ્હી, તા.10: જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકારણનો પારો વધુ ને વધુ ગરમી દેખાડવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભામાં ચંદ્રાબાબુ નાયડુને તેનાં પુત્રનાં નામે એટલે કે ‘લોકેશનાં પિતા’ તરીકે ઓળખાવ્યા બાદ હવે ચંદ્રાબાબુએ પણ મોદીનાં પત્ની જશોદાબેનનું નામ ઢસડયું છે. ટૂંકમાં રાજકારણ હવે એકબીજાનાં પરિવારને નિશાન બનાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ટીડીપી નેતા ચંદ્રાબાબુએ મોદી ઉપર વળતો હુમલો બોલાવતાં કહ્યું હતું કે તમે તમારા પત્નીને છોડી દીધા હતાં. શું તેમને પરિવાર વ્યવસ્થાનો આદર નથી? નાયડુએ આગળ કહ્યું હતું કે, વડાપ્રધાને મારા પુત્રનો સંદર્ભ ટાંક્યો છે તો હવે હું તેમનાં પત્નીનો ઉલ્લેખ કરીશ. શું નરેન્દ્ર મોદીનાં પત્નીનું નામ કોઈ જાણે છે? તેમનું નામ છે જશોદાબેન.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer