યુપીની 42 સીટ માટે 40 કલાકની મેરેથોન બેઠક કરશે પ્રિયંકા ગાંધી

યુપીની 42 સીટ માટે 40 કલાકની મેરેથોન બેઠક કરશે પ્રિયંકા ગાંધી
બેઠકવાર લોકોને મળવા ફાળવ્યા
1-1 કલાક, જ્યોતિરાદિત્ય
પણ એક્શન મોડમાં
લખનઉ, તા. 10 : કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત સાથે જ પ્રદેશ કોંગ્રેસની ઓફિસમાં કામ કરવાનો એક વિક્રમ બનાવશે. જેમાં ત્રણ દિવસમાં 40 કલાકની મેરેથોન બેઠકનો સમાવેશ થાય છે. અગાઉ કોઈપણ યુપી પ્રભારીએ એક દિવસમાં 13-14 કલાક સતત બેસીને કામ કર્યું હોય તેવું બન્યું નથી. બીજી તરફ આટલો જ સમય પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંન્ધિયા આપશે. જેનો મુખ્ય હેતુ લોકસભાની 42 બેઠકો ઉપર જીતનો રહેશે.  રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિન્ધિયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે 11 ફેબ્રુઆરીના રોજ લખનઉ પહોંચવાના છે. જેમાં 12 ફેબ્રુઆરીથી પ્રિયંકા ગાંધી લોકસભા બેઠકવાર લોકોને મળશે. આ દરમિયાન દરેક બેઠક માટે એક-એક કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાનની શરૂઆત મોહનલાલ ગંજ બેઠકથી થશે. આ ઉપરાંત ઉન્નાવ, વારાણસી, ગોરખપુર, કૌશામ્બી, ફૂલપુર, અલ્હાબાદ, ચન્દૌલી, ગાજીપુર, ધૌરહરા, ફતેહપુરના લોકો સાથે પણ મુલાકાતનો સમય નક્કી છે. 13 ફેબ્રુઆરીના રોજ બેઠકોનો દોર બારાંબાકીથી શરૂ થશે. ત્યારબાદ કૈસરગંજ, બહરાઈચ, બાંસગાંવ, દેવરિયા, ડુમરિયાગંજ, કુશીનગર વગેરેની મુલાકાત કરવામાં આવશે.
---------------
પ્રિયંકાનાં વત્રો ઉપર ભાજપ સાંસદની વિવાદાસ્પદ ટિપ્પણી
સાંસદ દ્વિવેદીએ કહ્યું : કોંગ્રેસ મહામંત્રી દિલ્હીમાં જીન્સ, મતક્ષેત્રમાં સાડી પહેરે છે
નવી દિલ્હી, તા. 10 : ઉત્તર પ્રદેશના બસ્તીથી ભાજપ સાંસદ હરિશ દ્વિવેદીએ એક વિવાદ સર્જક ટિપ્પણી કરતાં કહ્યું છે કે, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી દિલ્હીમાં જીન્સ અને ટોપ પહેરે છે તો પોતાના મતક્ષેત્રમાં આવે ત્યારે સિંદૂર લગાવીને સાડી પહેરે છે. બસ્તીમાં એક કાર્યક્રમમાં પહોંચેલા કેસરિયા પક્ષના સાંસદને પ્રિયંકાની એન્ટ્રીથી પૂર્વાંચલની રાજનીતિ પર શું અસર થશે તેવું પુછાતાં આ ટિપ્પણી કરી હતી. દ્વિવેદીએ કહ્યું હતું કે, રાજનીતિમાં રાહુલ, નિષ્ફળ છે, તે જ રીતે પ્રિયંકા પાછી નિષ્ફળ છે. બસ્તીમાં  એક સમૂહલગ્ન સમારોહમાં સાંસદે આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી આવતીકાલે સોમવારે લખનૌમાં રોડ શો કરનાર છે તેવા ટાંકણે ભાજપ નેતાએ આ વિવાદ સર્જક નિવેદન કર્યું છે. પ્રિયંકાને પૂર્વીય ઉત્તરપ્રદેશની 42 લોકસભાની બેઠકોની જવાબદારી સોંપાઇ છે.  ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદનું આવું વિધાન એવા સમય પર આવ્યું છે જ્યારે સોમવારે પ્રિયંકા ગાંધી લખનઉમાં એક રોડ-શો કરવાનાં છે. લાલબાગમાં રેલીને પણ સંબોધવાનાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer