9 કરોડ લોકોએ મનગમતી ચેનલની પસંદગી કરી : ટ્રાઈ

9 કરોડ લોકોએ મનગમતી ચેનલની પસંદગી કરી : ટ્રાઈ
6.5 કરોડ કેબલ ટીવી અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો
નવી વ્યવસ્થામાં જોડાયા
નવી દિલ્હી, તા. 10 : દૂરસંચાર નિયામક ટ્રાઈના કહેવા પ્રમાણે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થામાં જોડાઈ ગયા છે. જેમાં  6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓને કોઈપણ જાતની પરેશાની ન પડે તે માટે ટ્રાઈ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.
ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માના કહેવા પ્રમાણે સામે આવી રહેલા આંકડા પ્રમાણે  નવી વ્યવસ્થામાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આશા છે કે બાકી રહેલા લોકો પણ પોતાની પસંદગીની ચેનલ મેળવી લેશે. શર્માના કહેવા પ્રમાણે જે 9 કરોડ લોકોએ મનગમતી ચેનલ પસંદ કરી છે. તેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. શર્માએ ઉમેર્યું હતું કે, કુલ 17 કરોડ ગ્રાહકોમાંથી 9 કરોડે ઓપરેટર પાસે પસંદગીની ચેનલ માટે નોંધણી કરાવી છે. જે મોટી સંખ્યા છે.
શર્માએ ભાર દેતાં કહ્યું હતું કે, જ્યાં પણ જરૂર પડે ત્યાં ઓપરેટરોની મદદ કરવામાં આવી રહી છે અને દિશાનિર્દેશ થઈ રહ્યા છે. આટલું જ નહી મુશ્કેલીઓના નિરાકરણ માટે નિયમિત રૂપે બેઠકો પણ થઈ રહી છે. આગામી સમયમાં નિયમકની ગ્રાહકો સુધીની પહોંચ વધારવા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની પણ યોજના છે. જેમાં સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, વિજ્ઞાપન અને અન્ય કાર્યક્રમો થકી અભિયાન ચલાવવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer