જેતપુરમાં રૂા.2 લાખનું જનરેટર ચોરાયું

ખીરસરા રોડ પરના સાડી કારખાનામાંથી રૂ. 79800નું મલમલ કાપડ ચોરાયું
જેતપુર, તા.10: જેતપુરના જુનાગઢ રોડ પર, જલારામ મંદિર પાછળ એક ખાનગી કંપનીના ટાવરનું રૂ.2 લાખનું જનરેટર કોઈ ચોરી કઈ લઈ ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બાબતે ઉપલેટા રહેતાં અને ઈન્ડસ કંપનીમાં નોકરી કરતાં સુભાષભાઈ કરશનભાઈ કનારા નામના આહિર આધેડે જેતપુર શહેર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, જુનાગઢ રોડ પર જલારામ મંદિર પાછળ ઈન્ડસ કંપનીના ટાવરમાં નિચે ફીટ કરેલ કિર્લોસ્કર કંપનીનું રૂ.2 લાખનું જનરેટર કોઈ ઉઠાવી ગયો છે. આ ફરીયાદની વધુ તપાસ જમાદાર એચ.યુ.પરમારે હાથ ધરી છે.
મલમલ કાપડની ચોરી : શહેરના ખીરસરા રોડ પર આવેલ હરસિધ્ધી કોટન ડાઈંગ નામના સાડી કારખાનામાંથી ગઈકાલે કોઈ હરામખોરો 3300 મીટર (600 સાડી) જેટલું કિંમત રૂ.79800નું મલમલનું કાપડ ચોરી ગયું છે. આ બાબતે કારખાના માલિક મુળજીભાઈ પોપટભાઈ ડાવરીયા (રહે.અમરનગર રોડ, શ્યામ ચેમ્બર્સ)એ શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા ફોજદાર એસ.આર. ખરાડીએ તપાસ હાથ ધરી છે.
--------
 
મોટર સાઇકલ સાથે બળદ અથડાઇ પડતાં જામનગરનાં યુવાનનું મૃત્યુ
 
જામનગર, તા.10: જામનગરમાં સસોઇ ડેમ નજીક પીપળી રોડ ઉપર રસ્તા ઉપર એક બળદ આડો ઉતરતા અને મોટર સાઇકલ તેની સાથે અથડાઇ પડતાં જામનગરનાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બેને ઇજા પહોંચી હતી.
જામનગરમાં ગોકુલનગર પાસે શિવનગર શેરી નં.6માં રહેતા હિતેશ દેશુરભાઇ કંડોરિયા (ઉ.23) તેના મિત્રો રામનગરમાં રહેતા મનોજ શાંતિલાલ કટેશિયા (ઉ.18) તથા ભરત હર્ષદભાઇ રાયઠઠ્ઠા (ઉ.18)ને મોટર સાઇકલ ઉપર બેસાડીને કનસુમરા નજીક લેબર કોલોની 8માં ગયો હતો અને ત્યાંથી મોડી રાત્રે ત્રણેય પરત ફરતા હતા ત્યારે 1:30 વાગ્યાના સુમારે બળદ રસ્તા ઉપર આડો ઉતરતા મોટર સાઇકલ તેની સાથે અથડાયું હતું.
આ અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે તેઓને ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હિતેશ દેશુરભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. મનોજ શાંતિલાલની હાલત ગંભીર જણાતા તેને અમદાવાદની હોસ્પિટલ લઇ જવાયો છે.
આ અકસ્માત અંગે રાજેશ દેશુરભાઇએ પોલીસને જાણ કરતાં એએસઆઇ એચ.બી.પાંડવે તપાસ હાથ ધરી છે.
...........
જામનગરમાં મોટર સાઇકલની ઉઠાંતરી:
ધુતારપરની શાળામાં રોકડ રકમની ચોરી
 
જામનગર, તા.10: જામનગરમાં રણજીતસાગર ચોક ઉપર યુવા પાર્ક સામે રહેતા રાજેશભાઇ શાંતિલાલ રાજગોરે નીલકમલ સોસાયટી શેરી નં.4માં પાર્ક કરેલા પોતાના રૂ.40 હજારની કિંમતના મોટર સાઇકલની કોઇ તસ્કર ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં ધુતારપર ગામે આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળાના દરવાજાનાં તાળા તોડી અંદર પ્રવેશી ઓફિસના ટેબલના ખાનામાંથી કોઇ તસ્કર રૂ.20 હજારની રોકડ રકમની ચોરી કરી ગયાની ફરિયાદ શળાના સંચાલક ભરતભાઇ લક્ષ્મણભાઇ પટેલે પોલીસ સમક્ષ નોંધાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer