મગફળીનો જથ્થો અમાન્ય રખાતા જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો

હોબાળા બાદ મગફળી ખરીદી બંધ: પોલીસ બોલાવવી પડી
જૂનાગઢ,તા.10: જૂનાગઢ યાર્ડમાં આજે વિસાવદર પંથકના ખેડૂતોની અડધી મગફળીનું વજન થયા બાદ અમાન્ય કરાતાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. બાદમાં ખરીદી બંધ કરાઇ હતી અને પોલીસ બોલાવવી પડી હતી. ખેડૂતોએ પૈસા મંગાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે તંત્રએ નબળી મગફળી આવતાં અમાન્ય થઇ હોવાનું જણાવ્યું હતું.
વિસાવદર યાર્ડમાં તાજેતરમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી બંધ રહી હોવાથી બાકી રહી ગયેલા ખેડૂતોને જુનાગઢ, ભેંસાણ સહીતના ખરીદ કેન્દ્ર પર મોકલાયા છે. આજે વિસાવદરના પિયાવા, લીમધ્રા સહીતના ગામના ખેડૂતો મગફળી લઇ જૂનાગઢ યાર્ડમાં આવ્યા હતા. તેના નમૂના બાદ વજન શરૂ કરાયું હતું. અડધી મગફળીનું વજન થયા બાદ મગફળી નામંજુર કરાતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. આથી મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હતી અને પોલીસ બોલાવવી પડી હતી. ખેડૂતોએ મગફળી પાસ કરાવવા માટે પૈસા મંગાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બબાલ બાદ ખરીદી બંધ થતા અન્ય ગામેથી મગફળી લઇ આવેલા ખેડૂતોને હેરાન થવું પડયું હતું.
પૂરવઠા નિગમના અધિકારીએ જણાવ્યું હતું કે સેમ્પલ લીધા તેમાં સારી મગફળી હતી. પરંતુ વજન થતું હતું ત્યારે નબળી મગફળી ધ્યાનમાં આવતા વજન કરવાનું બંધ કરી રિજેકટ કરવામાં આવી હતી. બાકી પૈસા મંગાતા હોવાના આક્ષેપો પાયા વગરના છે. જુનાગઢ યાર્ડમાં ખરીદી શાંતીપૂર્ણ રીતે રજાના દિવસોમાં પણ થઇ છે. કયારેય કોઇ સવાલ ઉભો થયો નથી. જે મગફળીનો મુદ્દો આજે સર્જાયો હતો તે બે વખત અમાન્ય થઇ હતી. તોલ દરમિયાન નબળી મગફળી ધ્યાનમાં આવે તો ‘િરજેકટ’ કરવાની સુચના છે.
યાર્ડમાં થયેલી બબાલ અંગે પોલીસ ફરિયાદ કરવા તજવીજ
યાર્ડમાં મગફળી રિજેકટ થયા બાદ ખેડૂતોએ ફરજ પરના કર્મચારીઓનું બાવડું પકડી ગાળાગાળી કરી હતી. આ મામલે પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer