ફળની રાણી હાફુસ કેરી આવી પહેંચી રાજકોટ : તગડા ભાવ

700 થી 1000 રૂપિયે કિલો: ખર્ચી શકનારા અત્યારથી ખાવા લાગ્યા !
રાજકોટ, તા. 10 : આ વખતે તો એવી કડકડતી ઠંડી પડી રહી છે કે લોકો ઉનાળો ક્યારે આવશે, એની રાહ જોઈ રહ્યા છે અને ઉનાળો શરૂ થશે ત્યારે કેરી ક્યારે આવશે, તેની રાહ જોશે પણ દેવગઢ, રત્નાગીરીની જગજાણીતી હાફૂસ કેરી મહારાષ્ટ્રમાં તો આવવા જ લાગી છે અને હવે એ રાજકોટ સુધી પહેંચી છે. રાજકોટની બજારમાં હાફૂસ કેરી મળતી થઈ ગઈ છે.
જાણીતા ફળના વેપારીઓનું કહેવું છે કે, છેલ્લા એક સપ્તાહથી હાફૂસ કેરીનું આગમન રાજકોટની બજારમાં થઈ ગયું છે. હાફૂસમાં પણ અલગ અલગ વેરાયટી આવે છે એટલે એક કિલોનો ભાવ 700 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીનો છે. જે લોકોને આર્થિક રીતે પરવડે છે, એ લોકો અત્યારથી હાફૂસ ખાવા લાગ્યા છે. ખાસ કરીને કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય તો અતિથિઓને પણ હાફૂસનો સ્વાદ મણાવે છે. રાજકોટની ફળ બજારમાં અત્યારે શિયાળાના કારણે અવનવી વેરાયટીના ફળ જોવા મળે છે. ડ્રેગન ફ્રૂટ, ચેરી, સ્ટ્રોબેરી, સંતરા, માલ્ટા, લીલા અંજીર, દ્રાક્ષ, જામફળ, બોર જેવા ફળ તો આવે જ છે પણ હવે આ બધા ફળ વચ્ચે ફળોની રાણી હાફૂસ કેરી પણ જોવા મળી રહી છે.
ફળોની વચ્ચે પડેલી હાફૂસ કેરી જોઈને લોકોને આશ્ચર્ય પણ થાય છે અને મન પણ લલચાય છે. કડકડતી ઠંડીમાં ઉનાળાના આગમનની છડી પોકારતી કેરી બજારમાં આવતાં જ લોકો હરખાવા લાગ્યા છે પણ હજી ભાવ ક્યારે ઘટશે, તેની પણ રાહ જોવા લાગ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer