ધ્રાંગધ્રાના મેથાણ ગામે હૈયું હચમચાવી નાખતો બનાવ ભૂખથી મજબૂર ગાયોએ ઝેરી દવા છાંટેલા

ધ્રાંગધ્રાના મેથાણ ગામે હૈયું હચમચાવી નાખતો બનાવ ભૂખથી મજબૂર ગાયોએ ઝેરી દવા છાંટેલા

એરંડાના પાન ખાધા: 19 કામધેનુનાં મોત
ઘાસચારાના અભાવે પશુઓની હાલત દયનીય: પશુ ચિકિત્સકોની
ટીમ દ્વારા તપાસ
ધ્રાંગધ્રા, વઢવાણ, તા. 10 : ધ્રાંગધ્રા સહિત સમગ્ર ઝાલાવાડ પંથકમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. દુષ્કાળની આ સ્થિતિમાં માલધારીઓના પશુઓની હાલત ખુબજ દયનીય થઇ છે. કેટલાક પશુ ભૂખના લીધે કોઇપણ ચીજ આરોગવા માટે મજબૂર થઇ જાય છે જેના લીધે પશુઓની ભુખ તેઓના માટે મોત બની જાય છે. ધ્રાંગધ્રા તાલુકામાં પણ ભૂખી ગાયોએ ઝેરી દવા છાંટેલા એરંડાના પાંદડાં ખાતાં એકસાથે 19 ગાયના કમકમાટીભર્યા મોત થયાં છે.
હૈયું હચમચાવી નાંખતા આ બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે અબોલ ગાયોને ઘાસચારો પુરો નહીં પડતા અસહ્ય ભૂખ વેઠતી ગાયોએ આજે સવારે મેથાણ ગામની સીમમાં આવેલા ખેતરમાં પ્રવેશ કર્યો હતો. આ ખેતરમાં એરંડાના પાક પર ગાયોનું ધણ તુટી પડ્યું હતું. ખેતરમાં ઉગેલા એરંડામાં રોગ લાગુ ન પડે અને જીવાતથી એરંડાનો પાક ન બગડે તે માટે ઝેરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઝેરી દવાના છંટકાવવાળા એરંડાના ઉભા પાકના પાંદડા ગાયોએ આરોગતા આશરે બેથી ત્રણ કલાક બાદ તમામ ગાયોને આફરો ચડે તે રીતે પેટ ફુલાઇ ગયું હતું અને એકસાથે 19 ગાયોના મોત નિપજ્યા હતા. મેથાણ ગામના રહિશોને એકસાથે 19 ગાયોના મોત થવાની જાણ થતા ગામના સરપંચ અને ગ્રામજનો તુરંત ગામની સીમમા પહોચ્યા હતા. મેથાણ ગામના સામાજીક કાર્યકર જે.કે.પટેલ દ્વારા પશુ ચિકિત્સકને જાણ કરાઇ હતી.
એકસાથે 19 ગાયોના મોત થયા હોવાની જાણ થતાં ધ્રાંગધ્રામાં મોટાભાગના તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતા, જ્યારે પશુ ચિકિત્સકની ટીમ દ્વારા તમામ 19 ગાયોના મૃતદેહ કબજે લઇ પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રારંભિક તપાસમાં પશુ ચિકિત્સકની ટીમે જણાવ્યું હતું કે, તમામ મૃત ગાયો વધુ પડતા એરંડાના પાંદડા આરોગવાના લીધે આફરો ચડવાથી મોત નિપજ્યું છે. એક તરફ સરકાર દ્વારા પશુઓને વિનામુલ્યે ઘાસચારો મળવાની જાહેરાત છતાં હજુ મોટાભાગના તાલુકામાં ઘાસચારો પહોચી શક્યો નથી. ઘાસચારાના અભાવને લીધે ભૂખ સહન નહીં કરી શકતા ગાયો ઝેરી દવા છાંટેલા પાંદડા ખાવા મજબૂર બની હતી અને મોતને ભેટી હતી.
બીજી ગાયોને બચાવવા કવાયત
 
19 ગાયોના મૃત્યુ થયા છે પણ બીજી ગાયોએ કે, જેમણે ઝેરી દવાવાળા પાંદડા ખાધા છે તેની હાલત પણ નાજુક છે. આ અંગે ધ્રાંગધ્રાના વેટરનરી ઓફિસર પી.બી.પટેલે જણાવ્યું હતું કે, અમારી દસ સભ્યોની ટીમ સીમમાં જ છે. જે ગાયોના મૃત્યુ થયા છે તેમના મૃતદેહ તપાસ્યા છે. બાકીની ગાયો જેની હાલત નાજુક છે, તેની સઘન સારવાર ચાલી રહી છે. મોડી સાંજે ઠંડી હોવા છતાં અને લાઈટની સમસ્યા હોવા છતાં તબીબોની ટીમ અને ગામના જીવદયાપ્રેમીઓ કામે લાગ્યા છે.
 
 
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer