અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 56.47 મિનિટમાં ગિરનાર સર કરી જૂનાગઢનો યુવાન પ્રથમ

અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 56.47 મિનિટમાં ગિરનાર સર કરી જૂનાગઢનો યુવાન પ્રથમ
જુનિયર ભાઇઓમાં પણ જુનાગઢનો દબદબો, સિનિયર બહેનોમાં મોરબીનાં પોલીસ કર્મી, જૂનિયરમાં ખીરસરાની વિદ્યાર્થિની અવ્વલ
જૂનાગઢ, તા.10 : જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે 12મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 56.47 મિનીટમાં પાંચ હજાર પગથીયા ચડી ઉતરી જુનાગઢના યુવાને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જુનિયર ભાઇઓમાં પણ જુનાગઢનો વિદ્યાર્થી પ્રથમ આવ્યો હતો. જયારે સિનીયર બહેનોમાં મોરબીના મહીલા પોલીસ કર્મી તથા જુનીયર બહેનોમાં ખીરસરાની વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
યુવાનોના જોમ અને જુસ્સાને પડકારતી 12મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ -અવરોહણ સ્પર્ધા આજે યોજાઇ હતી. જેમાં સવારે 7 વાગ્યે ભાઇઓની ટુકડીને ફલેગ ઓફ આપી રવાના કરાયા હતા. જયારે 9 વાગ્યે બહેનોની ટુકડીને મેયર, ધારાસભ્ય સહીતના મહાનુભાવોએ ફલેગ ઓફ આપી હતી.
કઠીન ગણાતી આ સ્પર્ધામાં જુનાગઢના લોટસ સ્પોર્ટસ એકેડમીના અમીત રાઠોડ 56.47 મિનીટમાં જ અંબાજી મંદિર સુધીના પાંચ હજાર પગથીયા ચડી ઉતરી પ્રથમ નંબર મેળવ્યો હતો. જયારે જુનીયર ભાઇઓમાં સ્વામી વી.વી. મંદિર, જુનાગઢના લાલા ચિમનભાઇ પરમારે 59.46 મિનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે સિનીયર બહેનોમાં મોરબીમાં પોલીસ કર્મચારી          તરીકે ફરજ બજાવતા ભૂમિકાબેન ભુતે 39.07 મિનીટમાં માળી પરબ સુધીના 2200 પગથીયા ચડી ઉતરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જયારે જુનિયર બહેનોમાં જ્ઞાનજયોતિ વિદ્યામંદિર ખીરસરાની વિદ્યાર્થીની સાયરાબેન કથુરીયાએ 37.36 મિનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.
જાન્યુ.માસમાં યોજાયેલી રાજય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં પણ અમિત રાઠોડ તથા બહેનોમાં ભૂમિકાબેન ભુતે પ્રથમ નંબર મેળવ્યો હતો.
બપોરે સ્પર્ધા પૂર્ણ થયા બાદ તળપદા કોળી સમાજ વાડી ખાતે ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો. જેમાં કલેકટર ડો.સૌરભસિંહ, મેયર આદ્યશકિતબેન, ડે.મેયર ગિરીશભાઇ કોટેચા, નગર સેવક સંજયભાઇ કોરડીયા સહીતના મહાનુભાવોના હસ્તે વિજેતાઓને શિલ્ડ, પ્રમાણપત્ર  તથા ચેક અર્પણ કરાયા હતા. સ્પર્ધામાં ચારેય વિભાગમાં પ્રથમ ક્રમે આવનારને 50 હજાર, દ્વિતીયને 25 હજાર, તૃતીયને 15 હજાર, ચતુર્થને 12,500 તથા પાંચમા ક્રમે આવનારને 10 હજાર રૂપીયા પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સ્પર્ધા રાષ્ટ્રીય કક્ષાની પણ ઉત્સાહનો અભાવ
આજે અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. કહેવા પુરતી તો આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા હતી પરંતુ ગત મહીને યોજાયેલી રાજય કક્ષાની સ્પર્ધા કરતા પણ ઓછો ઉત્સાહ અને સંખ્યા જોવા મળી હતી.
502માંથી 367 સ્પર્ધક હાજર, 135 ગેરહાજર
ગિરનાર સ્પર્ધામાં 11 રાજયના 502 સ્પર્ધકોની અરજી આવી હતી. તેમાંથી આજે સ્પર્ધા સમયે 367 સ્પર્ધક હાજર રહ્યા હતા. જયારે 135 સ્પર્ધકો ગેરહાજર રહ્યા હતા.
------------
ગિરનાર સ્પર્ધામાં પ્રથમ પાંચ વિજેતા
સિનીયર ભાઇઓ
ક્રમ        નામ      સંસ્થાનું નામ       લીધેલો સમય
1          અમીત રાઠોડ       લોટસ સ્પોર્ટસ એકેડમી, જુનાગઢ     56.47
2          બિજેન્દ્રકુમાર       જિલ્લા ખેલ અને યુવા અધિકારી, હરિયાણા     58.00
3          નવિનકુમાર          ,,          59.13
4          મોહન ભિલાળા    એન.પી. આર્ટસ કોલેજ કેશોદ          60.30
5          શકિતસિંહ ગોહિલ            એચ.એમ.વી. આર્ટસ કોલેજ ઉના     61.16
જુનિયર ભાઇઓ
1          લાલા પરમાર       સ્વામિ વી.વી. મંદિર જુનાગઢ          59.46
2          નિશદ લલીતકુમાર ગુરૂનાનક પબ્લીક સ્કુલ વડોદરા         62.48
3          મનિષ રાઠોડ        સમાજ કલ્યાણ અધિકારી કેશોદ        63.10
4          દિપકસિંહ દેવેન્દ્રસિંહ                     ગુરૂદાન મહાવિદ્યાલય યુ.પી. 63.20
5          વિપુલ કામળીયા   ઓમ ફાઉન્ડેશન કોડીનાર    64.09
 
સિનીયર બહેનો
1          ભૂમિકાબેન ભુત    મોરબી પોલીસ સ્ટેશન       39.07
2          રચના પરમાર       મહિલા કોલેજ જુનાગઢ     43.35
3          શોભા પરમાર       ગાંધી સ્મૃતિ વિદ્યામંદિર, નાંદરખી      45.10
4          મીના વાળા         માર્શલ આર્ટ એકેડમી, જૂનાગઢ        45.13
5          પૂજાબેન પાનેલીયા લેઉઆ પટેલ ટ્રસ્ટ અમરેલી 45.26
 
જુનિયર બહેનો
1          સાયરા કથુરીયા     જ્ઞાનજયોતિ વિદ્યા મંદિર, ખીરસરા     37.36
2          રાજબીર ઋતુરાજ વેદ સેકન્ડરી સ્કુલ, હરિયાણા            37.46
3          ઝરણા વંશ           એમ.એસ. સંઘવી વિદ્યાલય, દેલવાડા 41.15
4          વાલી ગરચર        ખીરસરા કેળવણી મંડળ      41.26
5          શ્રધ્ધા વંશ           દેલવાડા ગ્રામ પંચાયત        42.07
 
અન્ય રાજયના અમુક સ્પર્ધક પિકનિક માટે આવ્યા હોય તેવો ઘાટ
ગિરનાર સ્પર્ધા દરમ્યાન અમુક સ્પર્ધકોએ કરેલી હરકતોથી આ સ્પર્ધાની ગરીમાને લાંછન લાગ્યુ હતું. સ્પર્ધાના ટ્રેક પર અમુક સ્પર્ધકો માત્ર પિકનીક માટે આવ્યા હોય તેવી સ્થિતી જોવા મળી હતી. અમુક સ્પર્ધક યુવક- યુવતીઓ હાથ પકડી દોડયા હતા અને ટ્રેક પર સેલ્ફી લઇ અન્ય સ્પર્ધકોને ખલેલ પહોંચાડી હતી. આવી હરકતોના લીધે રોષ ફેલાયો હતો. ઇનામ વિતરણ સમારંભમાં સ્પર્ધાના કો.ઓ. દેવ આંબલીયાએ સ્પર્ધકોને ટકોર કરતા જણાવ્યું હતું કે સુચના આપી હોવા છતાં સ્પર્ધાના નીતિ નિયમોનું ઉલ્લંઘન થયું છે. જો આવી રીતે ભાગ લેવો હોય તો તે બાબર નથી. અને આવુ ન થાય તે માટે આગામી સ્પર્ધા વખતે નીતિ નિયમોમાં પણ ફેરફાર કરી સ્પર્ધા પૂર્ણ કરનારને જ ટિકીટ ભાડુ અપાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer