‘યુપીએ સરકારમાં રાહુલ પાસે હતા હદથી વધુ અધિકાર’

‘યુપીએ સરકારમાં રાહુલ પાસે હતા હદથી વધુ અધિકાર’
મનમોહન સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસએમ કૃષ્ણાના ગંભીર આરોપ
નવી દિલ્હી, તા. 10 : યુપીએ સરકારમાં એક સમયે વિદેશ મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા અને ત્યાર બાદ કોંગ્રસ છોડી ભાજપ સાથે હાથ મિલાવનારા નેતા એસએમ કૃષ્ણાએ મનમોહન સિંઘ સરકારમાં પોતાના વિદેશ મંત્રી તરીકેના કાર્યકાળ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર ગંભીર આરોપો મુક્યા છે. એસએમ કૃષ્ણાએ કહ્યું હતું કે, યુપીએ સરકારમાં વડાપ્રધાન મનમોહન સિંઘનું કોઈના ઉપર નિયંત્રણ નહોતું. માત્ર રાહુલ ગાંધીનું જ નિયંત્રણ હતું. ઘણા નિર્ણયો મનમોહન ંિંસંઘની જાણ બહાર જ લેવામાં આવતા.
એસએમ કૃષ્ણાએ ઉમેર્યું હતું કે, તેઓ સાડાત્રણ વર્ષ સુધી વિદેશ મંત્રી રહ્યા હતા અને કામગીરીમાં મનમોહન સિંઘે ક્યારેય કોઈ સવાલ કર્યા નહોતા. પરંતુ રાહુલ ગાંધી સતત દરમિયાનગીરી કરતા હતા. યુપીએ સરકારમાં મનમોહન સિંઘ વડાપ્રધાન હોવા છતા ઘણા નિર્ણયો તેમની જાણ બહાર જ લેવામાં આવતા હતા. 2009થી 2014 વચ્ચે વડાપ્રધાનનું કોઈના ઉપર નિયંત્રણ નહોતું અને રાહુલ ગાંધી જ નિયંત્રણ રાખતા હતા. આ જ કારણથી રાહુલ ગાંધીને કેબિનેટ દ્વારા પસાર પ્રસ્તાવોની કોપી ફાડવાનો પણ અધિકાર મળ્યો હતો. જેને ‘અતિબંધારણીય’ હક કહેવામાં આવે છે. આ ઉપરાંત રાહુલ કોઈને જવાબ આપવા માટે બંધાયેલા નથી. એસએમ કૃષ્ણાએ એવો આરોપ પણ મુક્યો હતો કે સરકારી કામકાજમાં રાહુલ ગાંધીની સતત દરમિયાનગીરીના કારણે જ તેઓને યુપીએ અને કોંગ્રેસને છોડવાની ફરજ પડી હતી. એસએમ કૃષ્ણાના આક્ષેપો બાદ કોંગ્રેસના નેતા ગુંડૂ રાવે કહ્યું હતું કે, આરોપો સાંભળ્યા બાદ હવે એસએમ કૃષ્ણા પ્રત્યે સન્માન પુરૂ થયું છે. કૃષ્ણાના નિવેદનથી કોંગ્રેસને કોઈ ફરક નહી પડે પોતાની જ છબી ખરડાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer