જેતપુરમાં વેપારી પાસે ખંડણી માંગનાર ત્રણેય રિમાન્ડ પર

કિશોર સહિત ત્રણ શખસોએ કાર સળગાવવાનો પ્રયાસ કરી ધમકી આપી હતી
જેતપુર, તા.10 : જેતપુરમાં વેપારીને કોલ કરી રૂ.50 લાખની ખંડણી માંગી તેની ઘર નજીક પાર્ક કાર સળગાવવાના પ્રકરણમાં પોલીસે એક કિશોર સહીત ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા.
જેતપુરના પટેલ ચોક વિસ્તારમાં રહેતા જયેશભાઇ ઉસદરીયાને ચારેક દિવસ પૂર્વે એક કરોડ રૂપીયાની ખંડણી માંગતો તેમના મોબાઇલ પર કોલ આવતા કોઇ મજાક કરે છે તેમ માનીને ખંડણી માંગનારને સામેથી કોલ કરીને તું કોણ છો હું તને શું કામ ખંડણી આપું તેવી દલીલો કરી અને એક કરોડમાંથી ખંડણીની રકમ ઘટાડવાની જણાવતા કોલ કરનારે છેલ્લે પચાસ લાખ તો આપવા જ પડશે તેવું જણાવ્યું હતું. પરંતુ હાલ જયેશભાઇ પાસે આટલી મોટી રકમ હાથ પર ન હોય દર મહીને દસ દસ લાખ હપ્તા આપવાનું જણાવતા કોલ કરનારે બે દિવસ પૂર્વે તેના ઘર પાસે પાર્ક કરેલી કારને સળગાવવાની કોશીષ કરી હતી. પરંતુ પડોશીઓનું ધ્યાન પડી જતા આગ પર પાણી નાખી ઓલવી નાખી હતી. થોડીવાર બાદ જયેશભાઇને ખંડણીખોરોએ કોલ કરીને ‘જો પચાસ લાખ રૂપીયા ન આપ્યા તો તારી કાર જેમ સળગાવી તેમ તને પણ સળગાવી નાખશું’ કહી ધમકી આપતા સિટી પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરીયાદ નોંધાવતા ડીવાયએસપી જે.એમ. ભરવાડે ખંડણીખોરોની મોબાઇલ નંબરને આધારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં કોલ ડિટેઇલને અને વોઇસ મેચીંગને આધારે અંતે ખોડપરાની ઇદ મસ્જીદ નજીકના વિસ્તારના એક કિશોરને ઝડપી પુછપરછ કરતા શહેરના બાવાવાળા પાસે આવેલ ત્રણ માળીયામાં રહેતો કપીલ ઉર્ફે ટીનો દયારામ નિમાવત અને બાવાવાળાપરા વિસ્તારમાં રહેતો બાંગો ઉર્ફે રીયાઝ હનીફભાઇ રફાઇનું નામ ખુલતા આ બન્ને શખ્સોને પણ દબોચી લીધા હતા. પોલીસે જણાવ્યું કે કિશોર આરોપીને ઘરમાંથી કાઢી મકેલ છે જેથી રખડતો ભટકતો હોવાથી ખંડણીનો પ્લાન માટે કોના ફોનમાંથી વાત કરવી તે માટે પાંચેક દિવસ પહેલા ધોરાજી રોડ ઉપર જતા સાયકલ ચાલક વાત કરતો જતો હોય તેના હાથમાંથી ચાલુ બાઇકે ફોન લુંટી નાસી ગયો હતો. આરોપી કપીલ પ્રોહીબીશનના ગુન્હામાં આઠથી દસ વખત શાપર વેરાવળમાં હનીટ્રેપના ગુનામાં ઝડપાઇ ગયેલ છે. રીયાઝ વાહન ચોરી અને પ્રોહીબીશનમાં અસંખ્ય ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. બીજી તરફ કિશોરે એક યુવાનને ફેસબુકમાં યુવતિનું ફેક આઇડી બનાવી યુવાનને રૂબરૂ મળવાની લાલચ આપી યુવતીને સાથે રાખી લુંટી લીધો હોવાનું પણ ખુલ્યું હતું.
-----------
વધતા જતા તસ્કરોના ત્રાસથી લોકોમાં ભય
જૂનાગઢમાં બંધ મકાનનાં તાળાં તોડી 1.10 લાખની મતાની ચોરી
20 હજાર રૂપિયા રોકડા તથા સોના - ચાંદીના દાગીના ચોરી તસ્કરો ફરાર
જૂનાગઢ, તા.10: જૂનાગઢના મીરાનગર વિસ્તારમાં આવેલા બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો 20 હજાર રૂપિયા રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.10 લાખની મતા ચોરી ગયાની ફરિયાદ થઇ છે.
જૂનાગઢના મીરાનગર વિસ્તારમાં આવેલા પૃથ્વી પાર્ક વિસ્તારમાં રહેતા અમીતભાઇ ભરતભાઇ કારેલિયાના બંધ મકાનનાં તાળાં તોડી અજાણ્યા તસ્કરોએ ઘરમાં ઘૂસી કબાટ તોડી તેમાંથી 20 હજાર રૂપિયા રોકડા, સોનાનું ડોકિયું, પાટલા, ચેઇન તથા ચાંદીના સાંકળા, જુડો, સિક્કો તથા ચાંદીની ગાય મળી કુલ 1.10 લાખ રૂપિયાની મતા લઇ ગયા હતા. આ અંગે અમીતભાઇએ ફરિયાદ કરતા સી- ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer