કુલગામમાં 5 આતંકી ઠાર

કુલગામમાં 5 આતંકી ઠાર
સુરક્ષા દળોને 8 કલાક ચાલેલા ઓપરેશન બાદ મોટી સફળતા : ઘર્ષણ પછી પથ્થરબાજી
કુલગામ/શ્રીનગર, તા.10: દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે એક મોટા ઓપરેશનમાં એક સાથે પાંચ આતંકવાદીને ઠાર મારતાં સેનાએ મોટી સફળતા મેળવી છે. આઠ કલાકથી વધુ ચાલેલા ઘર્ષણના અંતે તમામ આતંકી ફૂંકી મરાયા હતા.
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા દળોએ જંગી માત્રામાં હથિયારો, વિસ્ફોટકો કબ્જે કર્યા હતા. મળતી માહિતી મુજબ, ગઇકાલે શનિવારની મોડી રાત્રે સેનાને કોલમ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ બાતમી બાદ રાષ્ટ્રીય રાયફલ્સ, કાશ્મીર પોલીસની એસઓજી ટીમ અને કેન્દ્રીય અનામત પોલીસ દળના જવાનોએ
તલાશી અભિયાન છેડ્યું હતું. બે ઘરમાં છુપાઇ બેઠેલા આતંકવાદીઓએ સેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ રવિવારની સવારથી મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. આજે સવારે પાંચેક વાગ્યે કાર્યવાહી શરૂ કર્યાના છ કલાક પછી સેનાએ બે ઘરને ઉડાવી દીધાં હતાં. આ કાર્યવાહીમાં ઘરોમાં છુપાયેલા પાંચ આતંકી સ્થળ પર જ ઠાર મારી દેવાયા હતા.
સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર, ફૂંકી મરાયેલા આતંકવાદીઓમાં એક મોસ્ટ વોન્ટેડ કમાન્ડર પણ સામેલ હોવાનું જાણવા મળે છે. જોકે, સેના અને પોલીસે સત્તાવાર કોઇ જારકારી નહોતી આપી.
આતંકવાદીઓ સાથે આ ભીષણ ઘર્ષણ બાદ કોલમ વિસ્તારમાં ભારે હિંસક પ્રદર્શનો થયાં હતાં. કેટલાક ઉપદ્રવીઓએ સેનાની કાર્યવાહીમાં વિઘ્ન સર્જવા પથ્થરબાજી શરૂ કરી દીધી હતી.
શ્રીનગરમાં CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો: 11ને ઇજા
શ્રીનગર, તા. 10: જમ્મુ કાશ્મીરમાં સેનાના સતત સફળ ઓપરેશનથી ભીંસાયેલા આતંકવાદીઓએ રવિવારે શ્રીનગરના લાલચોક પાસે પલ્લડિયમ લેજમાં એક સીઆરપીએફની ટીમ ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાન, જમ્મુ કાશ્મીર પોલીસના ચાર જવાન અને 4 સામાન્ય નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા. ગ્રેનેડ હુમલા બાદ તાકીદે વધુ સુરક્ષા દળ લાલચોકમાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ગ્રેનેડ હુમલા બાદ આસપાસનાં ક્ષેત્રમાં દહેશત ફેલાઈ હતી.  ઘટના બાદ સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું તેમજ હુમલો કરીને નાસી છૂટેલા આતંકવાદીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સીઆરપીએફ ટીમ ઉપર કરવામાં આવેલા હુમલા પાછળ સ્થાનિક આતંકવાદીઓનો જ હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer