માંગરોળ પાસે કુટિરમાં કાર ઘૂસી જતાં ચાર આશાસ્પદ યુવાનનાં મૃત્યુ

માંગરોળ પાસે કુટિરમાં કાર ઘૂસી જતાં ચાર આશાસ્પદ યુવાનનાં મૃત્યુ
લગ્ન પ્રસંગે ભેગા થયેલા મિત્રો મધરાતે નાસ્તો કરવા નીકળ્યા હતા: મૃતક યુવાનોમાં કન્યાનો ભાઈ, પરિવારમાં હરખના બદલે શોકનો માહોલ
માંગરોળ, તા. 10 : માંગરોળ-પોરબંદર હાઈવે પર રહીજ ગામ નજીક જંગલખાતાએ વટેમાર્ગુ માટે  બનાવેલી કુટીરમાં ધડાકાભેર એક કાર ઘુસી જતાં કારમાં સવાર ચાર જુવાનજોધ મિત્રોના કરૂણ મૃત્યુ નીપજયા હતા. લગ્ન પ્રસંગે ભેગા થયેલા મિત્રો શનિવારે મોડીરાત્રે ચા, નાસ્તો કરવા જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે.
શીલ તરફ જતા આ રસ્તે દસેક દિવસ પહેલાં થયેલા અકસ્માતમાં દરજી પરિવારના ત્રણ જાનૈયાઓના મોત નીપજયાની ઘટના હજુ તાજી છે, ત્યાં ફરી આ માર્ગ રકતરંજીત બન્યો છે. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, શહેરના માંડવી ગેઈટ વિસ્તારમાં બજરંગવાડીમાં લુહાર પરિવારને ત્યાં પુત્રીનો લગ્ન પ્રસંગ હતો. રાત્રીના ડાંડીયારાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનોને ઘરે મુકી રાતના બે વાગ્યે કન્યાના ભાઈ સહિત ચાર મિત્રો ઈન્ડિગો કાર નંબર જીજે 20 એ3673 લઈ નજીકના રહીજ ગામે ચા, નાસ્તો કરવા નીકળ્યા હતા. દરમિયાન પાંચેક કિ.મી. દુર કલ્યાણધામ પાસે પહોંચતા પૂરઝડપે જઈ રહેલી કાર એકાએક ફંગોળાઈ હતી. ફંગોળાયા બાદ પલટી મારી મુસાફરોના વિસામા માટે રસ્તાની સાઈડમાં બનાવેલી કુટીરમાં ઘુસી ગઈ હતી. 
મધરાતે બનેલી ઘટનાની સવાર સુધી કોઈને જાણ થઈ ન હતી. સવારે આ અંગેની જાણ થતા નજીકના વરામ પરિવારના મુસ્લિમ યુવાનો જેસીબી લઈને ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો.  આજુબાજુના લોકોની મદદથી કારના દરવાજા તોડી ચારેય યુવાનોના મૃતદેહો બહાર કાઢી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચારેયને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં વિકી પ્રકાશભાઈ પીઠવા, નિખિલ મહેશભાઈ વાળા, દિવ્યેશ દિનેશભાઇ કરમટા તથા મોહિત રાજાભાઈ કોડીયાતરનો સમાવેશ થાય છે.
મૃતક વિકી ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બહેનના આજે લગ્ન લેવાય તેના ગણતરીના કલાકો પહેલાં જ ભાઈનાં અકાળે મૃત્યુથી લુહાર પરિવારમાં ઘેરી ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે નિખિલના પિતાનું રાજકોટ ખાતે નવ વર્ષ પહેલાં મૃત્યુ થતા તે માતા અને બહેન સાથે મામાના ઘરે રહેતો હતો. ચારેય યુવાનના મૃત્યુથી માંગરોળમાં શોક છવાયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer