પિયાવામાં માતાએ પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે કર્યો આપઘાત

પિયાવામાં માતાએ પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે કર્યો આપઘાત
વિસાવદર પંથકમાં સપ્તાહમાં સામૂહિક આપઘાતની બીજી ઘટના
મહિલાને માનસિક બીમારી હોવાથી સંતાનો સાથે અંતિમ પગલું ભરી લેતા અરેરાટી
જૂનાગઢ, તા.10: વિસાવદર તાલુકાના પિયાવામાં આજે મહિલાએ પોતાના માસુમ પુત્ર તથા પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લીધી હતી અને ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં. વિસાવદર પંથકમાં એક સપ્તાહમાં બનેલી સામૂહિક આપઘાતની આ બીજી ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે.
વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં રહેતા હરસુખભાઇ અને અરૂણાબેનના દસેક વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. લગ્નગાળા દરમિયાન પુત્રી રાશી તથા પુત્ર લક્ષનો જન્મ થયો હતો. અરૂણાબેનને માનસિક તકલીફ હતી અને તેની મગજની દવા પણ ચાલુ હતી. આજે સવારે અરૂણાબેને ઘરે કોઇ ન હતું ત્યારે પહેલા પોતાના પુત્ર લક્ષ (ઉ.4) તથા પુત્રી રાશી (ઉ.6)ને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને બાદમાન પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. આ અંગેની જાણ થતાં પરિવાર સહિતના લોકો માતા તથા તેના બે સંતાનોને વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ત્રણેયને જૂનાગઢ ખસેડાયાં હતાં ત્યારે ચાર વર્ષના લક્ષનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. જ્યારે અરૂણાબેન તથા તેની પુત્રી રાશીને જૂનાગઢ ખસેડાયાં હતાં. પહેલા ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં અરૂણાબેન તથા પુત્રી રાશીનું પણ મૃત્યુ થયું હતું. માતા તથા તેના બે સંતાનોના મૃત્યુની ઘટનાથી ગમગીની વ્યાપી ગઇ હતી.
વિસાવદર તાલુકાના જેતલવડમાં ગત રવિવારે માતાએ ચાર સંતાનો સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ત્યાં આજે પિયાવામાં માતાએ બે સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લીધી હતી. એક સપ્તાહમાં સામૂહિક આપઘાતની આ બીજી ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer