હિંસાના ટ્રેક ઉપર ગુર્જર આંદોલન

હિંસાના ટ્રેક ઉપર ગુર્જર આંદોલન
પોલીસ ઉપર પથ્થરમારો,
55 ટ્રેન રદ
ધૌલપુરમાં પોલીસના ત્રણ વાહનોમાં આંદોલનકારીઓએ આગ ચાંપી
આગરા-મુરૈના
હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ
નવી દિલ્હી, તા. 10 : રાજસ્થાનમાં ગુંર્જર અનામત માટે ચાલી રહેલું આંદોલન રવિવારે ત્રીજા દિવસે હિંસક બન્યું હતું. ગુર્જર નેતાઓ દિલ્હી-મુંબઈ રેલ માર્ગ ઉપર આંદોલન માટે બેસી જતા 55થી પણ વધારે ટ્રેનો રદ થઈ હતી તેમજ રૂટમાં બદલાવ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ ધૌલપુર જીલ્લામાં આંદોલનકારીઓએ આગરા મુરૈના માર્ગ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા થઈ હતી. જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસના ત્રણ વાહનોને આગ ચાંપી હતી  તેમજ પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં ચાર પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી.
ધૌલપુરના પોલીસ અધીક્ષક અજય સિંહે કહ્યું હતું કે, અમુક અસમાજીક તત્વોએ આગરા-મુરૈના રાજમાર્ગને બંધ કર્યો હતો. જ્યારે અમુક આંદોલનકારીઓએ હવામાં ગોળીઓ ચલાવી હતી. આ લોકોએ જ પોલીસની એક બસ સહિત કુલ ત્રણ વાહનોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન થયેલી પથ્થરબાજીમાં ચાર જવાનોને ઈજા પહોંચી હતી તેમજ આંદોલનકારીઓને ખદેડવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી અથડામણ બાદ માર્ગ ફરીથી ચાલુ થયો હતો. આ દરમિયાન સવાઈમાધોપુર-બયાવા વચ્ચે ગુર્જર આંદોલનના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. જેના કારણે  પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસથી સવાઈમાધોપુર વચ્ચે 10-14 ફેબ્રુઆરીના રાતે ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. આ રૂટ ઉપર 31 ટ્રેન રદ કરવામાં આવી છે અને 47ના રૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે. જ્યારે પશ્ચિમ મધ્ય રેલવેના કહેવા પ્રમાણે 10 ટ્રેનો પ્રભાવિત થઈ છે. 
હિંસક આંદોલન બાદ ભરતપુર રેન્જ આઈજી ભુપેન્દ્ર સાહૂએ ગુર્જર સમૂદાયને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી. બીજી તરફ ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાએ પણ શાંતિ જાળવવાની અપીલ કરી હતી. બૈંસલાએ કહ્યું હતું કે, પ્રદેશ સરકારે ગુર્જરોની અનામતની માગણી પુરી કરવી જોઈએ. ગુર્જરોને પાંચ ટકા અનામત નહી મળે તો આંદોલન જારી રહેશે તેવી ચેતવણી પણ આપી હતી. અગાઉ આંદોલનકારીઓ અને સરકારી પ્રતિનિધી મંડળ વચ્ચે શનિવારે એક બેઠક થઈ હતી. પરંતુ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નહોતું. ગુર્જર સમાજ સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ માટે ગુર્જર, રાયકા રબારી, ગડિયા, લુહાર, બંજારા અને ગડરિયા સમાજના લોકોને પાંચ ટકા અનામતની માગણી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં 50 ટકા અનામતની મર્યાદામાં ગુર્જરને એક ટકા અનામત મળે છે.
ગુર્જર આંદોલનને કારણે અમદાવાદની ચાર ટ્રેન બંધ
રાજસ્થાનમાં ચળવળની અસરે કેટલીક ટ્રેનો ડાઇવર્ટ કરાઇ
અમદાવાદ, તા, તા.10 : રાજ્સ્થાનમાં સવાઇ માધોપુર અને બયાના સેકશનમાં શરૂ થયેલા  ગુર્જર આંદોલનને કારણે અમદાવાદની ચારેક ટ્રેનો બંધ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે. રાજસ્થાનમાં ચળવળની અસર તળે ગાંધીધામ-હાવડા ગરભા એક્સપ્રેસ ટ્રેન 9 અને 11 ફેબ્રુઆરીએ રદ કરાઇ છે,અમદાવવાદ -નિઝામુદ્ની સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન 9મીએ રદ કરાઇ છે. અમદાવાદ-પટના અઝીમાબાદ એકસપ્રેસ 11મીએ રદ કરાઇ છે હાપા-માતા વૈશ્નોદેવી કટરા એકસ્પ્રેસ 13મીએ રદ કરાઇ છે. હઝરત નિઝામુદ્ની -અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન રદ કરાઇ છે. જ્યારે ઓખા-અલ્હાબાદ એક્સપ્રેસ વાયાનાગદા-ઉજ્જૈન મકસી ગ્વાલીયર ભાવનગર -આસનસોલ એક્સપ્રેસ વાયા નાગદા  ઉજ્જૈન મકસી ગ્વાલીયર દોડાવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer