વર્લ્ડ કપની કોર ટીમ નક્કી: પ્રસાદ

વર્લ્ડ કપની કોર ટીમ નક્કી: પ્રસાદ
નવી દિલ્હી તા.10: ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સંકેત આપ્યો છે કે વર્લ્ડ કપ માટેની કોર ટીમ પસંદ થઇ ચૂકી છે. તેમણે કહયું કે અન્ય ટીમોની જેમ અમે પણ વર્લ્ડ કપની કોર ટીમ પર મન બનાવી લીધું છે. સાથોસાથ તેમણે એવી પણ આશા વ્યકત કરી કે વર્લ્ડ કપની ઠીક પહેલા આઇપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટ રમાશે. જે એ ખેલાડીઓ (પસંદ થયેલા)ઓને સારું ફોર્મ હાંસલ કરવામાં મદદ કરશે.  ખેલાડીઓની ફિટનેસ પરના સવાલ પર મુખ્ય પસંદગીકાર પ્રસાદે કહયું કે આથી અમે સતત વોચમાં છીએ અને ખેલાડીઓના સતત રોટેશન કરી રહયા છીએ. ફિટનેસ અને ફોર્મના આધારે જ આખરી પસંદગી થશે. તેમનું માનવું છે કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ જીતવા યુવા અને અનુભવી ખેલાડીઓથી મિશ્રિત ટીમ હોવી જોઇએ. પ્રસાદે સુકાનીની પ્રશંસામાં કહયું કે ટીમનું સૌભાગ્ય છે કે તેની પાસે વર્લ્ડ કલાસ વિરાટ કોહલી જેવો કેપ્ટન છે. તેનો કોચ રવિ શાત્રી સાથે સારો તાલમેલ છે. જેથી ટીમ ઇન્ડિયા સતત સફળતા મેળવી રહી છે.
----------
વાપસી પરથી પરદો ઉંચકાવતી સાનિયા
બેંગ્લુરુ તા.10: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યા બાદ પહેલીવાર કોર્ટ પરના તેના પુનરાગમન પર વાત કરી છે. 32 વર્ષીય સાનિયાએ કહયું છે કે તે આ વર્ષના અંત પહેલા વાપસી કરશે. સાનિયા છેલ્લે 2017ના ઓકટોબરમાં આખરી ટૂર્નામેન્ટ ચાઇના ઓપનમાં રમી હતી. આ પછી તેણીના ઘૂંટણમાં ઇજા થઇ હતી, બાદમાં સાનિયાએ ગત ઓકટબરમાં પુત્રને જન્મ આપ્યો હતો. હવે ગઇકાલે સાનિયાએ વાપસી પર કહયું કે 10 દિવસમાં મારો ટ્રેનર આવી રહયો છે. મેં વજન પણ ઓછું કર્યું છે. ફરી ટેનિસનો અભ્યાસ ધીરે ધીરે શરૂ કરી રહી છું. હજુ હું 32 વર્ષની છું અને ત્રણ-ચાર વર્ષ રમવાનો ઇરાદો છે. મારામાં હજુ ઘણું ટેનિસ બચ્યું છે. 22 ગ્રાંડસ્લેમ વિજેતા સ્ટેફી ગ્રાફમાંથી પ્રેરણા લીધી છે. આ તકે સાનિયાએ કહયું કે મારા પસંદનો ખેલાડી મહાન જોન મેકનરો છે.
ફેડરેશન કપ: કોરિયા સામેની હારથી ભારત ચોથા સ્થાને
અસ્તાના (કઝાકિસ્તાન) તા.10: ફેડરેશન કપ મહિલા ટેનિસ ટૂર્નામેન્ટના આખરી કવોલીફાઇ રાઉન્ડમાં ભારતીય ટીમ કોરિયા સામે 1-2થી હારીને ચોથા સ્થાને રહી હતી. કોરિયા સામે પહેલા મેચમાં ભારતની મહન જૈન હારી હતી. બીજા સિંગલ્સમાં અંકિતા રૈનાએ જીત મેળવી સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો, પણ ડબલ્સમાં અંકિતા રૈના અને પ્રાર્થના થોંબારની ભારતીય જોડીની હાર થઇ હતી. આથી કોરિયાનો 2-1થી વિજય થયો હતો. આથી એશિયા-ઓસનિયા જૂથમાં ભારત ચોથા નંબર પર રહયું હતું.
સ્મિથ-વોર્નરની વાપસીથી ઓસિ. વર્લ્ડ કપનો ખિતાબ બચાવી લેશે: પોન્ટિંગ
સિડની તા.10: ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના નવનિયુકત આસિસ્ટન્ટ કોચ અને પૂર્વ સુકાની રીકિ પોન્ટિંગનું માનવું છે કે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરની વિશ્વ કપમાં મહત્વની ભૂમિકા બની રહેશે અને આ બન્નેના રહેતા કાંગારૂ ટીમ તેનો ખિતાબ બચાવવામાં સફળ રહેશે. પોન્ટીંગનું કહેવું છે કે વર્લ્ડ કપ શરૂ થવા આડે હજુ ચાર મહિના જેવો સમય છે. આ પહેલા સ્મિથ અને વોર્નર સફળ વાપસી કરી લેશે. આથી અમારી ટીમ વર્લ્ડ કપમાં જીતની પ્રબળ દાવેદાર બનશે. સ્મિથ અને વોર્નર પરનો પ્રતિબંધ 29 માર્ચે સમાપ્ત થઇ રહયો છે.
જીતની નજીક બાદ હારથી અફસોસ: રોહિત
હેમિલ્ટન, તા.10: ન્યુઝિલેન્ડ સામેના ટી-20 શ્રેણીમાં મળેલા 1-2થી પરાજય બાદ ભારતીય ટીમના કાર્યવાહક સુકાની રોહિત શર્માએ કહ્યંy હતું કે નજીક પહોંચ્યા બાદ જીત ન મળ્યોનો અફસોસ છે. 210 વધુ રનનો લક્ષ્ય મુશ્કેલ હતો, આમ છતાં અમે ઘણા નજીક પહોંચી ગયા હતા. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ત્રીજા ટી-20 મેચમાં ન્યુઝિલેન્ડના 4 વિકેટે 212 રનના જવાબમાં ભારતના 6 વિકેટે 208 રન થયા હતા. મેચ બાદ રોહિત શર્માએ સ્વીકાર્યું કે કિવિ ટીમ જીતની હકદાર હતી. અમે ન્યુઝિલેન્ડના પ્રવાસમાં વન ડે સિરિઝમાં સારી શરૂઆત કરી અને સતત પકડ જમાવી, પણ ટી-20માં ખેલાડીઓ આ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યા નહીં. અહીંનો અનુભવ સારો રહ્યો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer