મેઘાલય ખાણના મજૂરોને બચાવવાની કોશિશ જારી રાખવા સુપ્રીમનો આદેશ

મેઘાલય ખાણના મજૂરોને બચાવવાની કોશિશ જારી રાખવા સુપ્રીમનો આદેશ
સુપ્રીમે કહ્યું, ચમત્કારો થાય છે, તજજ્ઞોની મદદ લેવા કહ્યું

નવી દિલ્હી, તા. 11 : સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર અને મેઘાલય સરકારને જણાવ્યું હતું કે, તે પૂર્વ જયંતિયા હિલ્સમાં કોલસાની ખાણમાં ફસાયેલા મજદૂરોને બહાર કાઢવા માટે વિશેષજ્ઞોની મદદ લે. જસ્ટિસ એ.કે. સિકરીના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યું કે, ચમત્કારો પણ થાય છે. બચાવની કોશિશો જારી રાખો. કોર્ટે બંને સરકારોને કહ્યું કે, પ્રયાસો ચાલુ રહેવા જોઈએ. કોને ખબર અમુક મજદૂરો જીવતા પણ હોય... ચમત્કારો હજુ પણ થાય છે.
સુપ્રીમ કોર્ટે આ દરમ્યાન ગેરકાયદે ખનનને લઈને સરકારને ફટકાર પણ લગાવી હતી. કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે ગેરકાયદે ખાણને ચલાવનારા લોકો અને તેની મંજૂરી આપનારા અધિકારી સામે શું પગલાં લેવામાં આવ્યાં છે. આ દરમ્યાન મેઘાલય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ફસાયેલા મજદૂરોને બહાર કાઢવા માટે નૌકાદળે રિમોટથી ચાલનારાં પાંચ વાહનને કામે લગાડયાં છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર વતી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખાણમાંથી મજદૂરોના બચાવ માટે અત્યાર સુધી લેવામાં આવેલાં પ્રત્યેક પગલાનું વિવરણ આપ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાએ પણ બચાવ અભિયાનમાં મદદ કરવા પોતાનાં વિમાન અને હેલિકોપ્ટર્સ તૈનાત કર્યાં હતાં.
ખંડપીઠ આ મામલાની વધુ સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer