સ્વચ્છતાની વાતો વચ્ચે નિયમિત સફાઈ ઝંખતું કોઠારિયા

સ્વચ્છતાની વાતો વચ્ચે નિયમિત સફાઈ ઝંખતું કોઠારિયા
અનિયમિત ટીપરવાન - સફાઇ કર્મચારીના કારણે ખુલ્લા પ્લોટમાં કચરો નાખવા લોકો મજબૂર
અવાર-નવાર શોષ ખાડા ભરાઇ જતાં ગંદા પાણીની દુર્ગંધ અને જીવ-જંતુઓના ત્રાસથી લત્તાવાસીઓ ત્રાહિમામ
રાજકોટ, તા.10: શહેરના વોર્ડ નં.18ના કોઠારિયા સહિતના અનેક વિસ્તારોમાં નિયમિત સફાઇનો અભાવ જોવા મળે છે. એક તરફ કોઠારિયા સોલવન્ટ, શુભમ્ પાર્ક, આશોપાલવ પાર્ક સહિતના વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાઇ રહ્યા છે જ્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સફાઇમાં ઉદાસીનતા દાખવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગંદકીની પરિસ્થિતિ વચ્ચે રોગચાળો ફેલાવાની ભીતી સેવાઇ રહી છે ત્યારે સ્વચ્છતાની વાતો વચ્ચે આ વિસ્તાર નિયમિત સફાઇ ઝંખી રહ્યો છે.
છેલ્લાં ત્રણેક વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલા કોઠારિયા ગામ સહિતના વોર્ડ નં.18ના અનેક વિસ્તારોમાં હાલ ગંદકી અને દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારમાં ટીપરવાન પણ અનિયમિત આવે છે અને સફાઇ કર્મચારીની સદંતર ગેરહાજરી જોવા મળે છે. આ વોર્ડના હરિદ્વાર 1 અને 2, શુભમ્ પાર્ક, કોઠારિયા સોલ્વન્ટ ફાટક આસપાસના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે.
વિસ્તારવાસીઓએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી પડી રહેતા ઉકરડાઓમાં કૂતરા અને ઢોર કચરો ચૂંથતા હોવાથી વધારે ગંદકી ફેલાઇ રહી છે. આ ઉપરાંત નિયમિત સફાઇના અભાવે અવાર-નવાર શોષખાડા ભરાઇ જાય છે અને ભર શિયાળે ચોમાસા જેવી હાલત થઇ જાય છે. ઉભરાતી ગટરોનાં પાણી લોકોનાં ઘર સુધી પહોંચી જાય છે અને લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠે છે, છતાં સફાઇ કામદારો સફાઇ માટે આવતા નથી. વળી ગટરનાં પાણીમાં ઝેરી જીવ-જંતુઓનો પણ ત્રાસ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ફેલાયેલા આવા ભયંકર પ્રદૂષણને કારણે રોગચાળાનો ભય સેવાઇ રહ્યો છે. આ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
કોઠારિયા સોલવન્ટના અનેક વિસ્તારમાં ખુલ્લા પ્લોટ પણ પડેલા છે. અહીં હરિદ્વાર-2ની શેરી નં.6માં આવેલો વોંકળો બૂરવાનો પ્રશ્ન લાંબા સમયથી યથાવત્ત રહેલો છે. આ વોંકળામાંથી આવતી દુર્ગંધના કારણે લોકોને રહેવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે વોંકળો બૂરવા માટે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા ભારે રોષ ફેલાયો છે. આ વોર્ડના મહત્તમ લોકોમાં એવી ચર્ચાઓ પણ થઇ રહી છે કે, ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય દિવસ તથા સ્વચ્છતા અભિયાન સહિતનાં આયોજનો ચાલી રહ્યાં છે પરંતુ આ વિસ્તારોમાં કોઇ સરકારી અધિકારી-કર્મચારીઓ ફરકતા પણ નથી અને લોકોની દયનીય હાલત પ્રત્યે તંત્ર ઉદાસીન હોય તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer