રાજકોટ ચેમ્બરમાં પેનલ સામે અપક્ષોનો ચૂંટણી જંગ ખેલાશે

રાજકોટ ચેમ્બરમાં પેનલ સામે અપક્ષોનો ચૂંટણી જંગ ખેલાશે
24 સભ્યોની પેનલ સામે 11 અપક્ષો મેદાનમાં : 16મીએ મતદાન થશે 24 સભ્યોની પેનલ સામે 11 અપક્ષો મેદાનમાં : 16મીએ મતદાન થશે રાજકોટ, તા.10: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં અગાઉ ત્રિપાંખિયો જંગ થવાનો હતો. પરંતુ આખેઆખી પેનલે ફોર્મ પાછા ખેંચીને હાર સ્વીકારી લેતા હવે પેનલની સામે અગિયાર અપક્ષોનો જંગ નિશ્ચિત બની ગયો છે. સમરસ બનાવવા માટે હવે કોઇ પ્રયાસો થાય તેવી શક્યતા દેખાતી નહીં હોવાથી 16મી જાન્યુઆરીએ ચૂંટણી જંગ નક્કી છે.
પૂર્વ સેક્રેટરી વી.પી. વૈષ્ણવે 24 સભ્યોની એક વાઇબ્રન્ટ પેનલ બનાવી છે. એની સામે 11 જેટલા અપક્ષ સભ્યો લડશે. એમાં સમીર શાહ, અરવિંદ શાહ, અશ્વિન ભાલોડીયા, રાજુ જુંજા, શ્યામ શાહ, રાજેશ ધામી, નરેશ શેઠ, રાજેશ સવનીયા, પ્રણય શાહ, સુનિલ ધામેચા અને ભાવિન ભાલોડીયાનો સમાવેશ થાય છે.
પૂર્વ પ્રમુખ સમીર શાહે કહ્યું કે, ચેમ્બરમાં બેથી અઢી વર્ષમાં રાજકારણ, જ્ઞાતિવાદ અને ખટપટ સિવાય કશું થયું નથી. આ વખતે પ્રથમ વખત મધ્યસત્ર ચૂંટણી કરવી પડી છે. સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચી છે. ઉદ્યોગ અને વેપારમાં મંદી છે ત્યારે તેમને ઉપયોગી થવાના કાર્યોને બદલે સ્વહિત માટે કાર્યો થયા હતા. હવે ચેમ્બરની ઓળખ બદલવાની જરૂર છે.  ચેમ્બર દ્વારા અગાઉ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રનું આયોજન કરેલું છે. એ ઉપરાંત રાજકોટને કન્ટેઇનર ડેપો મળે તે માટે વારંવાર રજૂઆત થઇ છે. મંજૂર પણ થયું છે. એ ઉપરાંત કન્વેન્શન સેન્ટર, એરપોર્ટ અને હવે એઇમ્સ પણ મળી છે ત્યારે આ દિશામાં ચેમ્બરે વધુ સક્રિય થવાની જરૂર છે. હવે આંતરિક રાજકારણમાં સમય વેડફવાનું પોસાય તેમ નથી એટલે વેપાર-ઉદ્યોગના હિતમાં મતદાન થાય અને સારાં ઉમેદવારો સત્તામાં આવે તે આવશ્યક થઇ પડયું છે.
ચેમ્બરમાં સભ્ય જેટલું મતદાન થવા અંગે શંકા
ચેમ્બરમાં 4555 સભ્યો નોંધાયેલા છે. તમામ મતાધિકાર ધરાવે છે. અગાઉ 2700 સભ્યો હતા. આ વખતે સભ્ય સંખ્યા વધીને રેકોર્ડબ્રેક થઇ છે. જોકે ઉમેદવારોએ પૈસા ખર્ચીને સભ્યો બનાવ્યા છે. હવે એક પેનલ આખેઆખી ખસી ગઇ છ ઁત્યારે તેના દ્વારા ઉભા કરાયેલા સભ્યો મતદાન કરે છેકે કેમ તે જોવાનું છે. પ્રવર્તમાન ઉમેદવારો વચ્ચે ચૂંટણી થાય તો કુલ 35 ઉમેદવારો છે. જે ઉમેદવારો ક્રમસર પ્રથમ 24માં મતને આધારે આગળ આવે તે ચેમ્બરની કારોબારીમાં જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer