વાહનચાલકોને ફરજીયાત હેલ્મેટ માટે પોલીસનો અતિરેક

વાહનચાલકોને ફરજીયાત હેલ્મેટ માટે પોલીસનો અતિરેક
પ્રસિદ્ધિ માટે જાહેર કાર્યકમો ગોઠવીને ટ્રાફિક સમસ્યા વધુ જટીલ બનાવાઇનો આક્રોશ
રાજકોટ, તા.10 : ભયંકર રોગ જેવી બનેલી શહેરની ટ્રાફિક સમસ્યા માટે ખુદ ઉચ્ચ અધિકારીઓ જ અજાણ હોય આમજનતા અને ખુદ પોલીસ કર્મચારીઓ પણ પારાવાર મુશ્કેલીઓમાં મુકાયા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જટીલ બનેલી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટેથી દી’ ઉગે ને નતનવા નુસ્ખા અપનાવતા હોય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા હલ થવાના બદલે વધુ જટીલ બનતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. પોલીસ અધિકારીઓ દ્વારા પ્રસિદ્ધિ મેળવવા માટે અને સરાજાહેર કાર્યકમો યોજતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ભારે જટીલ બને છે. છતાં પણ આવા અધિકારીઓની આંખો ઉઘડતી ન હોય તે બાબત અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
શહેરમાં અસામાજીક પ્રવૃત્તિ અને અસામાજીક તત્વોના પ્રશ્નો રોજીંદા બની ગયા છે. તેવી જ રીતે ટ્રાફિકની સમસ્યા પણ રોજીંદી જટીલ બની ગઈ છે. જેસીપી સિદ્ધાર્થ ખત્રી અને પોલીસ કમિ.મનોજ અગ્રવાલ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા રોજબરોજ શહેરની ગુનાખોરી અને જટીલ બનેલી ટ્રાફિક સમસ્યા મામલે બપોર-સાંજ સુધી એસી. ઓફિસોમા મીટીંગો યોજવામાં આવતી હોય અને દરેકના મંતવ્યો જાણવામાં આવતા હોય છે અને જેના કારણે અન્ય પોલીસ સ્ટાફ અને આમજનતા પારાવારા મુશ્કેલીઓ ભોગવતી હોવા છતાં આવી વ્યર્થ મીટીગો રોજીંદી બની છે. રાજકીય પીઠબળ અને માલેતુજારોને સાંભળવા માટેથી આવા અધિકારી પાસે પુરતો સમય હોય છે. જયારે ખરેખર અસામાજીક તત્વોનો ભોગ બનેલા કે અન્ય કોઈ બાબત માટેથી મળવા આવતા અરજદારોને યેનકેન પ્રકારે સમજાવીને કે જે તે પોલીસ મથકના અધિકારીઓ પાસે રવાના કરી દેવામાં આવતા હોય છે અને પ્રસિદ્ધિ મેળવવા માટેથી મીડીયા સમક્ષ તેમના મોબાઈલ નંબરો આપી અને ગમે ત્યારે ગમે તેવા અરજદારો માટેથી પોલીસના દ્વારો ખુલ્લા હોય અને ન્યાય અપાવવામાં આવશે અને ગમે તેવા ચમરબંધીઓને નહી છોડવામાં આવે તેવી ગુલબાંગો ફુંકવામાં આવતી હોય છે.
શહેરભરમાં સૌથી માથાના દુ:ખાવા રુપ બનેલી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેથી પોલીસ દ્વારા શહેરના 11 ટ્રાફિક સિગ્નલો શરૂ કરવામાં આવ્યા છે. દરમિયાન એકાએક ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાહનચાલકો અને વાહનમાં પાછળ બેઠેલ વ્યકિતએ પણ ફરજીયાત હેલમેટ પહેરવું તેવી જાહેરાત કરી હેલમેટ નહી પહેરનાર વાહનચાલકોને દંડવાનું શરૂ કરતા આમજનતામા દેકારો બોલી ગયો હતો અને પોલીસની આકરી કામગીરી સામે રોષ વ્યાપી ગયો છે. શહેરમા હેલ્મેટ પહેરવું જરુરી ન હોવા છતાં પરાણે હેલમેટ પહેરવાનો આગ્રહ અને નહીતર દંડ વસુલવાની કામગીરી સંદર્ભે વિરોધ વંટોળ ઉઠયો છે. હેલમેટ પહેરવાથી શું ગેરફાયદા થાય છે. તે મામલે કદાચ આ અધિકારીઓ જાણતા નહી હોય માત્ર રાજકીય આગેવાનો અને મંત્રીઓને રાજી રાખવા માટેથી ફરજીયાત નિયમોનું પાલન કરાવવા માટેની નીતિ અપનાવવામાં આવતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ટ્રાફિક સમસ્યા મામલે પોલીસનું વધુ એક ગતકડું
શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેથી પોલીસ અધિકારીઓ દ્વારા વધુ એક નવું ગતકડાનું આયોજન કરવામાં આવ્યું હોવાનુ જણાવાઇ રહ્યંy છે. અગાઉ મીકી માઉસ અને સાંતા કલોઝ સહિતના પાત્રો દ્વારા ટ્રાફિક નિયમનું પાલન કરનાર વાહનચાલકોને બોલપેન અને આઈસ્કીમ ભેટ આપવાનું અને ભંગ કરનારને દંડ ફટકરાવાનો કાર્યકમ સતત ટ્રાફિકથી ધમધમતા જિલ્લા પંચાયત ચોકમાં રાખવામાં આવ્યો હતો. જેના કારણે પારાવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી ત્યારે હેલ્મેટ નહી પહેરનાર વાહનચાલકને ગુલાબ તથા ટ્રાફિક નિયમોના પેમ્પલેટ આપવાનું અને  હેલ્મેટ પહેરનારને પતંગ આપીને સન્માન કરવાનું વધુ એક ગતકડાનું આયોજન કરવામાં આવ્યું હતું.
            હેલ્મેટ અંગે ભાજપના કાર્યકર સામે આંખઆડા કાન
પોલીસ રાજકીય દબાણ હેઠળ કામ કરતી હોવાની છાપ ઉભી થઇ રહી હોય તેમ સામાન્ય માનવીને હેલ્મેટ નહી પહેરવા અંગે દંડ વસૂલ કરતી પોલીસે પેટા ચૂંટણીના સંદર્ભમાં ભાજપના કાર્યકરોની નિકળેલી બાઇક રેલી સામે આંખ આડા કાન કર્યા હતાં અને એક પણ કાર્યકર પાસેથી હેલ્મેટ નહી પહેરવા અંગે દંડ વસૂલ કર્યો ન હતો. તે બાબત ઘણું કહી જાય છે.(નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer