રાજકોટમાં નવા ગ્ર્રીન ફિલ્ડ એરપોર્ટ માટે સમજૂતી કરાર સંપન્ન

રાજકોટમાં નવા ગ્ર્રીન ફિલ્ડ એરપોર્ટ માટે સમજૂતી કરાર સંપન્ન
3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકરમાં નિર્માણ પામશે
280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તીવ્ર ગતિથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ-બોઇંગ જેવા વિમાનોની સુવિધા
ગાંધીનગર, તા.10: રાજકોટ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતી  કરાર મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં સંપન્ન થયા છે. આ સમજૂતી કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે.
આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તીવ્ર ગતિ 5,375 કિલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ(એ-320-200) બોઇંગ(બી-737-900) જેવા વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે. આ સૂચિત ઓરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્ષી-વે રનવે રહેશે તથા એપ્રન, રેપીડ એકઝીટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે. આ એરપોર્ટ 1033 હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે, તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન હશે તથા 524 એકર સીટી સાઇડ પેસેન્જર સુવિધા માટે અને એવીએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થનાર છે. આ એરપોર્ટના નિર્માણનો રૂ.2500 કરોડનો ખર્ચ તબક્કાવાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે.
 
ખેડૂતોની જમીનના સંપાદનની કામગીરી ધીમી
હિરાસરમાં 2500 એકર જમીનમાં નિર્માણ પામનાર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે આજે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા વચ્ચે સમજૂતી કરાર થયો છે. આ એરપોર્ટ માટેની સરકારી ખરાબા સિવાયની ખેડૂતોની જમીનના સંપાદનની કામગીરી હાલ ખુબ જ ધીમી હોવાનું જણાઇ રહ્યું છે. એરપોર્ટ માટેના નિર્માણના એમઓયુ થઇ ગયા બાદ હવે જમીન સંપાદન ઝડપથી થાય તે પણ જરૂરી બન્યું છે. આ એરપોર્ટ માટેની જમીન મોટાભાગની સરકારી ખરાબાની છે. પરંતુ આ સરકારી ખરાબા વચ્ચે હિરાસર ગામના અમુક ખેડૂતોની પણ જમીન આવે છે. જેમાં ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે શરૂઆતમાં ભાવ મુદ્દે વિવાદ થયો હતો. બાદમાં જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી ભાવથી ચાર ગણી રકમ આપવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ખેતીની જમીનના 1500 પ્રતિ એકર અને બિનખેતી થયેલી જમીનના 2500 પ્રતિ એકરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કલેક્ટર દ્વારા મોકલવામાં આવેલી રકમ અંગે હજુ રાજ્ય સરકારની કમિટી નિર્ણય લેશે અને બાદમાં ખેડૂતોને જમીનનું વળતર આપીને જમીન સરકાર હસ્તક લેવામાં આવશે. લગભગ દોઢ વર્ષ અગાઉ હિરાસર એરપોર્ટનું ખાતમુહૂર્ત પણ સરકારી ખરાબામાં જ કરવામાં આવ્યું હતુ, ત્યારે જમીન સંપાદન થયા બાદ જ ગ્રીનફિલ્ડ એરપોર્ટના પાયા નખાશે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer